” રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવતી સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન સાબરડેરી હાલ અનેક વિવાદોથી ઘેરાયેલી છે, ત્યારે હિંમતનગર તાલુકાની વાસણા દૂધ મંડળીના ચેરમેન રણજીતસિંહ. એન. સોલંકી દ્વારા સાબરડેરીની ભરતીમાં ભ્રષ્ટાચાર અને સગાવાદ આચરવામાં આવ્યો હોવાની લેખિતમાં રજૂઆત રાજ્યના સહકારી વિભાગના રજીસ્ટાર સહિત જિલ્લા રજીસ્ટારને કરવામાં આવતાં સહકારી રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે “…
વાસણા દૂધ મંડળીના ચેરમેન રણજીતસિંહ સોલંકીએ કરેલી લેખિત રજૂઆત મુજબ સાબરડેરીમાં નિયમ અનુસાર ચેરમેનના પી.એ. તરીકે ડેરીમાં ફરજ બજાવતા સિનિયર અને અનુભવી કર્મચારીઓની ભરતી કરવાની હોય છે જેના બદલે જાહેરાત આપ્યા વગર અને અન્ય ડિરેક્ટરોની જાણ બહાર ડેરીના ડિરેક્ટર ભોગીભાઇ પટેલના સાળાના દીકરાની પાછલા બારણેથી બોર્ડમાં ઠરાવ કરી ચેરમેનના પી.એ. તરીકે નિમણૂક આપી દઈ કાયમી કરી દેવામાં આવ્યો છે. વધુમાં રણજીતસિંહ સોલંકીએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે, વર્તમાન ટર્મમાં ભોગીલાલે તેમના બીજા સાળાઓના દીકરાઓ મોન્ટુ ગોવિંદભાઇ પટેલ, દીપેન હસમુખભાઇ પટેલ, પાર્થ હેમેન્દ્રભાઇ પટેલ વગેરેને સાબર ડેરીને પોતાની માલિકીની પેઢી હોય તેમ સગાવાદ ચલાવી સાળાના છોકરાઓ સહિત તેમના છોકરાઓને સાબરડેરીમાં કર્મચારી તરીકે ભરતી કરાવી દીધી છે અને સાબરડેરીમાં થયેલી બોગસ ભરતી સભાસદો માટે છેતરપિંડી સમાન હોવાના આક્ષેપ સાથે તપાસની માગણી કરી છે…
સાબરડેરીના ડિરેક્ટર ભોગીલાલ પટેલના ધોરણ -૧૨ પાસ દીકરા મયંક પટેલની દ્રેસર્સ તરીકે ભરતી કરવામાં આવી હતી. અને બાદમાં રાજસ્થાનથી સ્નાતકની ફર્જી ડિગ્રી મેળવી ક્લાર્કમાં બઢતી આપી છે. આ સમગ્ર ભરતી કૌભાંડની ઊંડી તપાસ થાય તો ખુબ મોટું ભરતી કોભાંડ બહાર આવી શકે તેમ છે. રણજીતસિંહ સોલંકીએ રજૂઆતમાં ભોગીલાલના વધુ એક કરતુત વિશે જણાવતાં કહ્યું હતું કે, ચૂંટણી સમયે પ્રાંતિજ તાલુકાની કમાલપુર દૂધ મંડળીના ચેરમેન જયંતીભાઇ નરસિંહભાઇ પટેલે પ્રાંતિજ તાલુકામાંથી ભોગીલાલના સમર્થનમાં ટેકો આપી ડિરેક્ટરના ઉમેદવાર પદેથી ખસી જતાં હરિયાણાના રોહતક પ્લાન્ટમાં નરસિંહભાઇ પટેલના દીકરાને નોકરી અપાવી હતી. ડેરીના ચેરમેનની ગાડીના ડ્રાઇવર માટે પણ વગર જાહેરાતે ભોગીલાલે તેમના સગાઓની ભરતી કરી દીધી હતી અને હાલમાં આ બે ડ્રાઇવરોની પણ કાયમી નિમણૂક કરી દેવામાં આવી છે. સાબરડેરીમાં સગાવાદ આચરી કર્મચારીઓની કરવામાં આવેલી આ ગેરકાયદેસર ભરતી સભાસદો સાથે છેતરપિંડી સમાન હોય ભરતીની તપાસ કરી ભોગીલાલ અને ચેરમેન સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રણજીતસિંહ સોલંકી દ્વારા રજૂઆત કરવામાં આવી છે…