અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં ઓબીસી અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠક યોજાઇ હતી. ઓબીસી અનામત બચાવો ચિંતન સંકલ્પ અંગેની બેઠકમાં બક્ષીપંચ સમાજના અધિકારો માટે વિવિધ ચર્ચાઓ કરી આગામી 14 ઓગસ્ટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બિનરાજકીય ધરણા પ્રદર્શન કરવામાં આવશેનો હુંકાર કર્યો હતો
મોડાસા શહેરમાં યોજાયેલ ઓબીસી બચાવો ચિંતન સંકલ્પ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં ઓબીસી સમાજ સાથે સરકારે અન્યાય કર્યો છે.ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ઓબીસી સમાજને ખતમ કરવાની છે સરકારે ઓબીસી સમાજને દારૂ, જુગાર અને ડ્રગ્સ આપ્યો છે. ખેડૂતોને ખેતમજૂરો બનાવ્યા છે.બંધારણમાં ઓબીસી સમાજને આપવામાં આવેલા અધિકારો અને હકોનું હનન કરવામાં આવી રહ્યું છે. ઓબીસી સમાજને અંદરોઅંદર લડાવી ભાજપ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યું છે. ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે 10 ટકા અનામત હતી તે ભાજપએ રદ કરી છે માટે હવે 27 ટકા અનામત લાગુ કરવામાં આવે. ઓબીસી સમાજ માટે ફાળવવામાં આવતા બજેટમાં વધારો કરી તે 27 ટકા કરવામાં આવે તેમજ સહકારી સંસ્થાઓમાં ઓબીસી સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવેની માંગ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા