અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં અને જંગલ વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં વધારો થવાની સાથે માનવ વસ્તીમાં પ્રવેશી આતંક મચાવી પશુઓનું મારણ કરતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે માલપુર તાલુકાના વાંકાનેડા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવી દીધો છે છેલ્લા ટૂંક સમયમાં 15 થી વધુ પશુઓનું મારણ કરતા પશુપાલકો ચિંતિત બન્યા છે હાલ ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે દીપડાના ભયથી ખેડૂતો ખેતર પણ નધણિયાત મુકવા મજબુર બન્યા છે વનવિભાગને દીપડાને પાંજરે પુરવા માટે વારંવાર રજુઆત કરવા છતાં તંત્રે આંખ આડે કાન કરતા ખેડૂતો અને પશુપાલકો શનિવારે માલપુરના મહેમાન બનનાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે
માલપુર તાલુકામાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે વાંકાનેડામાં ઓબા ગોટી વિસ્તારમાં દીપડાએ વધુ બે બકરીઓનું મારણ કરતા પશુપાલકો સહીત સમગ્ર પંથકની માનવ વસ્તી દીપડાના ભયથી થર થર કાંપી રહી છે વાંકાનેડા ગામ નજીક જંગલ વિસ્તાર હોવાથી દીપડો મસ્ત બનીને ગમે ત્યારે ત્રાટકતો હોવાની બુમરાણ ઉઠી છે આ પંથકમાંથી અત્યાર સુધી દીપડા એ 13 બકરા અને બે પાડીઓનું મારણ કર્યું હોવા છતાં માલપુર નું વન વિભાગ ચુપચાપ તમાશો જોઈ રહ્યું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે વન વિભાગના અધિકારીઓ સમક્ષ પાંજરા મુકવા અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં વનવિભાગ કોઈ જ પગલાં ભરતું ન હોવાની બુમ ઉઠી છે રાત્રીના સમયે ખેતર માં ખેતીકામ માટે જવુ ખેડૂતો માટે જોખમકારક બન્યું હોવાથી ખેડૂતો લાચાર બનતા આવતીકાલે માલપુર આવનારા મુખ્યમંત્રી સમક્ષ આ પંથકના અગ્રણીઓ તેમજ પશુપાલકો રજુઆત પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી