રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ આઈ.પી.એસ. અધિકારીઓની સાગમેટી બદલી કરવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના નવા પોલિસ વડા શૈફાલી બારવાલે ચાર્જ સંભાળ્યો હતો તો બીજી બાજુ રેંજ આઈ.જી. અભય ચુડાસમાની જગ્યાએ વિરેન્દ્રસિંહ યાદવને જવાબદારી સોંપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાની પ્રથમ મુલાકાતે પહોંચેલા રેંજ આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે લોકદરબાર યોજ્યો હતો. મોડાસા પોલિસ હેડક્વાર્ટર ખાતે આયોજિત લોકદરબારમાં જૂજ લોકો પહોંચ્યા હતા, જેમાં ટ્રાફિક અને દારૂના મુદ્દે લોકોએ પોતાની રજૂઆત કરી હતી.
અરવલ્લી જિલ્લો એ આંતરરાજ્ય સીમા રાજસ્થાનથી જોડાયેલો છે ત્યારે દારૂની હેરાફેરી થતી હોય છે. આવી ગાડીઓ પૂરપાટ ઝડપે દોડતી હોય છે, જેને લઇને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો ઘણીવાર અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે ત્યારે આના પર કંટ્રોલ લાવવા લોકોએ રજૂઆત કરી હતી. તો બીજી બાજુ મોડાસા શહેરમાં થતીં ટ્રાફિકની સમસ્યાઓ અંગે પણ રેંજ આઈ.જી. ને ધ્યાન દોર્યું હતું, જેમાં મોડાસાના રોકડિયા હનુમાનજી મંદિર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારો અંગે ઉલ્લેખ કરાયો હતો, તો બીજી બાજુ ધનસુરા હાઈસ્કૂલ નજીક પણ જી.આર.ડી. ના જવાનોને તૈનાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ ચોરીની ઘટનાઓને ડામવા માટે મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા રેંજ.આઈ.જી. ટ્રસ્ટીઓને અપીલ કરી હતી અને આવા મંદિરોની સુરક્ષા માટે પોલિસ અધિકારીઓને ગ્રામ રક્ષક દળના જવાનોને તૈનાત કરવા માટે સૂચના આપી હતી.
પાલિકા તેમજ પંચાયતના હોદ્દેદારોની લોકદરબારમાં ગેરહાજરીથી રેંજ આઈ.જી નારાજ
મોડાસા ખાતે યોજાયેલા લોક દરબારમાં પાલિકાના હોદ્દેદારોની ગેરહાજરીથી રેંજ આઈ.જી. નારાજ થયા હતા, કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિક સત્તાધિશો કે તંત્રનું સંકલન હોવું આવશ્ય છે, મોડાસા તેમજ બાયડ અને જિલ્લાના અન્ય પંચાયત વિસ્તારની સમસ્યાઓ તો આવી પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવા પંચાયત કે પાલિકાના હોદ્દેદારોને સંકલમાં રાખવા આવશ્યક હોય છે ત્યારે લોકદરબારમાં પાલિકાના હોદ્દેદારો નહીં આવતા પોલિસ અધિકારીઓને ટકોર કરી આગામી લોકદરબારમાં પાલિકાના હોદ્દેદારોને હાજર રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.