અરવલ્લી જિલ્લામાં હાવ વરસાદી માહોલ વચ્ચે વિરોધ પ્રદર્શનનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. મોડાસા નગર પાલિકાની ડંપિંગ સાઈટ વિવાદ ઓછો થવાને બદલે વધુ વકરતો હોય તેવું લાગે છે. 18 સપ્ટેમ્બરના રોજ પોલિસના કાફલા સાથે વહીવટી તંત્રએ જમીનની માપણી કરી હતી, જ્યાં વિરોધ કરતા ત્રીસ થી વધારે લોકોની પોલિસે અટકાયત કરી હતી. છેલ્લા ઘણાં સમયથી ડંપિંગ સાઈટને લઇને વિરોધ ચાલે છે, આ પહેલા મોડાસા તાલુકાના મહાદેવગ્રામ ખાતે નક્કી કરી દેવાઈ હતી, મોડાસા નગર પાલિકાની ટીમ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ પોલિસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા, જોકે ભારે વિરોધ વચ્ચે મહાદેવગ્રામની જગ્યા પર પૂર્ણ વિરામ લાગી ગયું.
હવે મોડાસા તાલુકાના ગારૂડી ગામે જમીન શોધી લેવાઈ પણ આ જમીન પર માપણી કરવા પહોંચેલા તંત્રએ સ્થાનિક લોકોના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે અહીં જમીન માપણી કરી દેવાઈ પણ લોકોએ એટલી હદે રોષ વ્યક્ત કર્યો કે, તેમણે પોતાના મનની વાત કરી દીધી અને કહ્યું કે, અધિકારીઓ પાવર બતાવે છે તો તેમના ચૂંટેલા મંત્રીઓ ગારૂડી ગામની સામે પડ્યા હતા.
19 સપ્ટેમ્બરના રોજ બીજા દિવસે વહેલી સવારથી જ આસપાસના 5 ગામના લોકોએ એકઠા થયા હતા અને ટાયર સળગાવી રસ્તો બંધ કર્યો હતો, જેને કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા, અને ડંપિંગ સાઈટ કોઈપણ સંજોગોમાં લાવવા નહીં દઈએ તેવો મક્કમ નિર્ધાર કર્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે, નજીકમાં શાળા, મંદિર અને રહેણાંક વિસ્તારો આવેલા છે, એટલું જ નહીં આસપાસના વિસ્તારોમાં 40 ફૂટ એ પાણી આવી જાય છે, પણ ડંપિંગ સાઈટ આવે તો તેઓની ફળદ્રુપ જમીન બગડી શકે છે.
ગારૂડી ગામ એટલા માટે ઇતિહાસ પર નજર નાખવાનું કહે છે, કે, વર્ષ 1984માં માઝૂમ ડેમના વિસ્થાપિતોને જમીન આપવાને લઇને સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેને લઇને પોલિસ ગોળીબારમાં 5 લોકો મોત થયા હતા જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
મોડાસા નગર પાલિકા ડંપિંગ સાઈટ માટે શું કરી શકાય
કેટલાય સમયથી મોડાસા નગર પાલિકાની ડંપિંગ સાઈટને લઇને વિરોધ ચાલી રહ્યો છે, પણ કેટલીક વોટબેંકના કારણે જગ્યાઓ બદલી દેવાઈ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, પહેલા ચાંદટેકરી તેમજ આસપાસના વિસ્તારો થી લઇને મહાદેવ ગ્રામ સુધીની સફર કરવામાં આવી, હવે ગારૂડી ગામે આ ડંપિંગ સાઈટ પહોંચતા ભારે વિવાદ ચાલ્યો છે. પાલિકા અને તંત્રએ આ માટે મોડાસા તાલુકાના નજીકના ગ્રામ્ય વિસ્તારોના સરપંચ તેમજ ગામના અગ્રણીઓની એક બેઠક યોજવી જોઈએ અને જમીન બાબત ચર્ચા કરવી જોઈએ. જેથી યોગ્ય જમીન મોડાસા નગર પાલિકાને મળી શકે.