લાંક ડેમના પાણીથી ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં ખેતીને વ્યાપક નુકસાન
સુઝલામ સુફલામ કેનાલ ઓવરફલો થઇ વાંઘામાં પાણી વહેતાં થતાં બોરોલ વિસ્તારમાં પણ ખેતીનો પાક નષ્ટ
સરકારે અધિકારી લેવલે સર્વે કરાવી ખેડુતોને સહાય ચુકવવા માંગAdvertisement
બાયડ તાલુકામાં 24 કલાકની અંદર ભાદરવો ભરપૂર વરસતા 12 થી 13 ઇંચ જેવો વરસાદ વરસી પડતાં બાયડ તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં ખેતીને વ્યાપક નુકસાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
એક સામટો ધોધમાર વરસાદ વરસતાં જાણે બાયડ તાલુકા પર આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આજે પણ કેટલાય વિસ્તારોના રહેઠાણો અને ખેતરોમાં ત્રણ-ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.
બાયડ તાલુકાના સાઠંબા પંથકમાં 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા લાંક ડેમ ઓવર ફ્લો થતાં ડેમાઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધામણી નદી કાંઠાના ગામડાઓ જેવા કે બાવાનો મઠ, રાયણના મુવાડા, ભારૂજીના મુવાડા, મગનપુરા, રણછોડપુરા, જુના આકડિયા, નવા આકડીયા, વાંટડા (કાવઠ), નવા લોટીયા, દાનપુરા, મોટા મુવાડા વિસ્તારમાં નદી બે કાંઠે વહેતાં પુરના લીધે વાંઘા અને કોતરોમાં પાણી પેસી જતાં આ વિસ્તારોમાં ખેતરોમાં ખેતીનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે.
આ વિસ્તારના ખેડૂતો બેહાલ થઈ ગયા છે
આવું જ સુજલામ સુફલામ કેનાલના કિનારે આવેલા ગામો જેવા કે ફાંટા, બોરોલ, ડેમાઈ, ભયજીપુરા, ચેહવાના મુવાડા, ટેબલી , મહેતાપુરા ખેતરોની દશા બેટમાં ફેરવાઈ ગઈ છે.
સુજલામ સુફલામમાં પાણી છોડવામાં આવતાં સુજલામ સુફલામ કેનાલ પણ ઓવર ફ્લો થતાં આજુબાજુના વાંઘાઓમાં પાણી વહેતું થતાં દૂર દૂરના ગામો સુધી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. બોરોલ ગ્રામ પંચાયતના પેટાપરાઓના ગામડાઓમાં ખેતીનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે આજે પણ ખેતરોમાં અઢીથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે.
વરસાદી આફતના કારણે બાયડ તાલુકાના સમગ્ર વિસ્તારમાં કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થવાના આરે ઉભો છે આ તબક્કે સરકારે અધિકારીઓ જોડે સમગ્ર બાયડ તાલુકાની ખેતીવાડીનો સર્વે કરાવી અહેવાલ મંગાવી ત્વરિત સહાય ચૂકવાય તેવી વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે…!!! બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી રહેણાંક વિસ્તારમાં વરસાદી આફતમાં ઘરવખરીને નુકસાન થયું હોય તેવા લોકોને અને ખેતીને વ્યાપક નુકસાન થયું હોય તેનો સર્વે કરાવી ત્વરિત સહાય ચૂકવવા માંગ કરી છે