અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ટ્રાફિકની સમસ્યા એ માથાના દુખાવા સમાન છે, પણ પાલિકાની કામગીરી સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા નિકળી પડતી દબાણ ટીમની વ્હાલા દવાલાની નીતિ સામે લોકોમાં હળહળતો રોષ જોવા મળે છે. મોડાસાના જુના બસ સ્ટેશન લીયો ચોકીથી પાલિકા સુધી 20 સપ્ટેમ્બરના રોજ સમી સાંજે મોડાસા નગર પાલિકાની દબાણ ટ્રાફિક ઝૂંબેશ માટે નિકળી પડી હતી, પણ આ દબાણ ટીમે ગાડીઓને લોક કરી, બાઈક્સ ટો કરી, પણ નજીકમાં ઊભી રહેલી લારીઓ દેખાઈ નહીં, કેમ ?
મોડાસા નગર પાલિકા દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવાય છે, જે સારી બાબત છે પણ દબાણ ટીમ વ્હાલા દવાલાની નીતિ અપનાવે છે, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળે છે. મોડાસાના સ્ટેશન રોડ પર લીયો ચોકી પાછળ ત્રણ થી ચાર લારીઓ કેટલાય સમયથી કાયમી સ્થાયી થઈ ગઈ છે, જોકે પાલિકાની દબાણ ટીમની આંખે અંધાપો આવી ગયો હોય તેમ આ લારીઓ તેમજ નજીકમાં ખાણી-પીણીની દુકાનમાં બહાર મુકાતો સામાન જોવાતો નથી.
પાલિકા સત્તાધિશો અને પાલિકા તંત્રને સવાલો
ટ્રાફિક ડ્રાઈવ યોજો છો તો માત્ર વાહનો જ કેમ દેખાય છે?
નજીકમાં ઊભા રહેલ લારીઓ કેમ દેખાતી નથી?
પાલિકાની દબાણ ટીમ અને લારી ચાલકો વચ્ચે સાંઠ-ગાંઠ છે કે શું?
મોડાસા નગર પાલિકા ચીફ ઓફિસરે આ બાબતે ધ્યાન આપવું જોઈએ કારણ કે, ટ્રાફિકની કામગીરી થાય તે સારી બાબત છે પણ ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર તમામ લોકો છે જે રસ્તા પર ઊભા રહે છે, રસ્તા પર દુકાનનો સામાન બહાર કાઢે છે, રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક કરે છે, ખોટી રીતે લારી કાયમી ધોરણે ઊભી રાખે છે.