શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકાર કે કલરના સ્વેટર પહેરવા સંચાલકોની મનમાની બંધ
ઠંડીથી રક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ ઈચ્છે તેવા ગરમ કપડાં પહેરી શકશે
શિક્ષણ મંત્રી પાનશેરિયાએ કહ્યું કે, સ્કૂલો ચોક્કસ પ્રકારનાં ગરમ કપડાં પહેરવાની ફરજ પાડશે તો પગલાં લેવાશે
મોટા ભાગના વાલીઓ સ્કૂલના નિયમ અનુસાર સ્વેટરની ખરીદી કરી ચુક્યા છે તેમ છતાં દેર આયે દુરસ્ત આયે જેવા નિર્ણયને આવકાર
ગુજરાતમાં તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં સ્કૂલ ડ્રેસ અને ડ્રેસ સાથે ચોક્કસ કલર અને પ્રકારના સ્વેટર, ટોપી સહીત ગરમ કપડાં પહેરવાની ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી સુધી પહોંચતા મંત્રી પ્રફૂલ પાનસેરિયા મંત્રીની સુચનાના આધારે નાયબ શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરી રાજ્યના તમામ જીલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલી આપવામાં આવ્યો છે જેમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ ઠંડી સામે રક્ષણ મેળવવા ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરી લાવે તે માન્ય રાખવા અને એવી તાકિદ કરી છે કે, સ્કૂલે આવતા ભૂલકાઓ, બાળકોને કોઇપણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. આમ છતાં કોઇ સ્કૂલ આવી કોઇ ફરજ પાડતી હશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે.
રાજ્યની મોટા ભાગની પ્રાથમિક શાળાઓ અને સ્કૂલોમાં ડ્રેસ કોડ ફરજીયાત કરવામાં આવ્યો છે અને ઠંડીમાં ચોક્કસ પ્રકારના સ્કૂલ નક્કી કરે તેવા ગરમ કપડાં પહેરવાની ફરજ પાડવામાં આવતી હતી ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા આ અંગે આવકાર દાયક નિર્ણ્ય લેતા વિધાર્થીઓ અને વાલીઓમાં આનંદ છવાયો છે આથી રાજ્યના શિક્ષણ વિભાગે વાલીઓ ઇચ્છે તેવા ગરમ પ્રકારના કપડાં વિદ્યાર્થીઓને પહેરાવી શકે તે બાબતે નિર્ણય લીધો છે. આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્કૂલોને ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવા ફરજ ન પાડવાની તાકિદ કરી છે