અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પર તેજ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં સમગ્ર તાલુકામાં આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ભિલોડા તાલુકાની નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દિવ્યાબેન મનોજભાઈ સુવેરા સામે નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ક્રિષ્નાબા નવલસિંહ જાડેજાએ ભ્રષ્ટાચારના આરોપો લગાવી તાલુકા વિકાસ અધિકારી ભિલોડાને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, ગામના મહિલા સરપંચના બદલે ગ્રામ પંચાયતનો વહીવટ તેમના પતિ અને સસરા ચલાવી રહ્યા છે….!!!!
ગામના ચૂંટાયેલા મહિલા સરપંચ ગ્રામ પંચાયતના સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર વિકાસની ગ્રાન્ટોનો તેમના મળતીયાઓને ફાયદો થાય તે પ્રમાણે ઉપયોગ કરી રહ્યા છે આમ નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સરપંચ મહિલા સરપંચના પતિ અને મહિલા સરપંચના સસરા એમ ત્રણ સરપંચો વહીવટ કરી રહ્યા છે….!!!!
ચૂંટાયેલા મહિલા સરપંચના વિરુદ્ધ અગાઉ અવિશ્વાસની દરખાસ્ત આવી હતી તે વખતે સરપંચે પોતાની ભૂલ સ્વીકારી પંચાયતના સદસ્યો સાથે સમાધાન કરતાં તે વખતે સમજૂતીથી દિવ્યાબેન સુવેરાને યથાવત રાખ્યા હતા પરંતુ પાછા સરપંચ થોડા સમય પછી પોતાની રીતે મનસ્વી વહીવટ કરવા લાગ્યા હોવાથી છેલ્લા બે વર્ષથી નલ સે જલ યોજનાનું કામ ચાલી રહ્યું છે. જે આજ દિન સુધી પૂરું કરવામાં આવ્યું નથી અને નલ સે જલ યોજનામાં જે પાઇપલાઇન નાખવામાં આવી છે તે પણ શંકાસ્પદ મટીરીયલની જણાઈ રહી છે જનતાને બે વર્ષથી કામ ચાલતું હોવા છતાં આજ દિન સુધી નલ સે જલ યોજનાનો લાભ મળ્યો નથી…!!!
વધુમાં જણાવ્યું છે કે, નાના કંથારીયા ગામની ગટર લાઈન મંજુર થઈ ગઈ છે છતાં પણ ગટર લાઈનનું કામ કરવામાં આવતું નથી…!!! સરપંચને રજૂઆત કરવામાં આવતાં સરપંચ કહે છે હું સરપંચ છું મારી મરજી મુજબ કામ થશે….!!! આમ અનેક બાબતે અસંતોષ થતાં અને સરપંચના કામ બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાઈ આવતાં ઊંડી તપાસ કરવા અમો અરજદારે નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી તાલુકા વિકાસ અધિકારી ભિલોડાને રજૂઆત કરી છે.