સાબરકાંઠા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાંથી ૫૦૦૦થી વધુ યુવા દીકરા, દીકરીઓ અને મહિલાઓએ ભાગ લીધો… કાર્યક્રમ દરમ્યાન સામાજિક સમસ્યાઓનું નિરાકરણ માટે વિચાર મંથન કરાયું…
હિંમતનગર ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ સાબરકાંઠા ઝોન દ્વારા આયોજિત મહિલા યુવા જાગૃતિ સંમેલન ૨૦૨૩નું સાબરકાંઠા ઝોન પ્રમુખ રસિકભાઈ પટેલ અને મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન પટેલના અધ્યક્ષ પદે રવિવારના રોજ યોજવામાં આવ્યું હતું. સંમેલનમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાંથી કચ્છ કડવા પાટીદારના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પાંચ હજારથી વધુ સંખ્યામાં યુવા મહિલાઓ, દીકરીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સંમેલનમાં જુના રીત રિવાજો સહિત દીકરા-દીકરીના સગપણ માટે નડતી મુશ્કેલીઓ, છૂટાછેડા, લગ્ન વિચ્છેદ વડીલ માન સન્માન, ભાગેડું લગ્નો વેશનમુક્તિ, ખર્ચાળ રીતરિવાજો, અંધશ્રદ્ધા, આર્થિક ઉપાર્જન સહિત સામાજિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી આધુનિક વિચારસરણીને સ્થાન આપવા સમાજની અગ્રણી મહિલા અને આગેવાન વડીલોએ હાકલ કરી હતી. સંમેલનમાં સમાજના મંત્રી પ્રકાશભાઈ પટેલ, સાબરકાંઠા ઝોન મહિલા સંઘ ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન ભગત, મંત્રી શ્રીમતી ગાયત્રીબેન દિવાણી સહિત સમાજના યુવા અને મહિલા સંઘના હોદ્દેદાર અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.