સ્પેશિયલ રીપોર્ટ, મેરા ગુજરાત, અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં લોકોને હજુ પ્રાથમિક સુવિધાઓ જ નથી મળતી તેના જીવંત દાખલાઓ જોવા મળ્યા હતા, જેમાં રસ્તાઓ અને પાણીનો સમાવેશ થાય છે. ત્રણ દિવસ પહેલા સગર્ભા મહિલાને દુ:ખાઓ થતાં રોડ ન હોવાથી 2.5 કિ.મી. પદયાત્રા કરીને એમ્બ્યુલન્સ સુધી જવું પડ્યું હતું, ત્યારે હવે પાણીની સમસ્યા સામે આવી છે.
અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની પોકાર શરૂ થઇ જાય છે, પહેલા તો જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતી હતા, હવે તો કલેક્ટર કચેરીથી માત્ર 9 કિ.મી.ના અંતરે આવેલ મોડાસા તાલુકાના અમલાઈ ટાંડા ગામે જ પાણીનો પોકાર પડી રહ્યો છે, પણ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સરકારી ચોપડે જ સબ સલામત અને સબ બરાબરના હિસાબો લગાવી દે છે. પણ વરવી વાસ્તવિકતા એ છે કે, પાણી અધિકારીઓ દ્વારા લગાવેલા નલ સે જલ યોજનામાંથી નહીં પરંતુ 3 કિ.મી. તપતી ધરતી પર ચાલીને ગયા પછી મળે છે. અધિકારીઓ આટલી ગરમીમાં ઘરેથી વોટર બેગ અથવા તો હેન્ડ બોટલમાં પાણી લઇને આવે છે એટલે ખ્યાલ નથી આવતો પણ અહીં તો માતા-બહેનો 42 ડિગ્રી તાપમાનમાં માથે ઘડો અથવા તો માટલા મુકીને પાણી લાવે છે, તે કેટલું કઠિન હશે ?
બોર્ડની પરીક્ષા આપતી દીકરી કહે છે કે, પહેલા પાણી પછી પરીક્ષા
હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ગામમાં અભ્યાસ કરતા બાળકો બોર્ડની પરીક્ષા પહેલા પાણી માટે વલખા મારવા પડે છે, કારણ કે, પાણી હશે તો શરીર કામ કરશે. ગામમાં ડંકી પણ નથી એક હતી તે પણ તૂટી ગઇ હોવાનું ગામની મહિલાઓ જણાવી રહી છે. એટલું જ નહીં કેટલાક બાળકો તો હાલ બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે, તેઓ પણ પાણીની પળોજણમાંથી જ નવરા નથી થતાં તો અભ્યાસ કેવી રીતે કરી શકે તે પણ એક સવાલ છે.
સાંભળો બાળકો અને મહિલાઓ શું કહી રહ્યી છે..
નલ સે જલ યોજનાના અંતર્ગત લગાવેલા નળ તૂટી ગયા : ગ્રામજનો
કેન્દ્ર સરકારની ઘરે ઘરે નળ થી જળ પહોંચાડવાની સારી યોજના છે, પણ ભ્રષ્ટ અધિકારીઓ લોકો સુધી કંઇ જ પહોંચાડતા ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે, નળ તો ક્યારના તૂટી ગયા છે, તો પાણી કેવી રીતે આવશે. વાસ્મો અને પાણી પુરવઠા દ્વારા કરવામાં આવતી કામગીરી અને હલકી ગુણવત્તાને લઇને નળ ટકાઉ નથી હોતા, જેથી હાલાકીઓ તો ગરીબ પ્રજાને જ પડતી હોય છે.
મોડાસા તાલુકાના અમલાઈ ટાંડા ગામની વસ્તી અંદાજે 3500 થી 4000 ની છે, પણ પાણીની પળોજણ વચ્ચે લોકોએ પીસાવાનો વારો આવ્યો છે. જિલ્લાના ઉચ્ચ અધિકારી જરા 42 ડિગ્રીમાં એક કિ.મી. ચાલીનો જાઓ તો ખરા તો ખ્યાલ આવશે કે, ખરેખર ગરીબ પ્રજાને નળમાં પાણી મળવું જોઇએ અને બેદરકારી દાખવતા અધિકારી કે કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલનની બેઠકમાં પાણીની સમસ્યાઓ હલ કરવાને લઇને સૂચનાઓ આપવામાં આવે છે, તેમ છતાં પાણીની સમસ્યાનું કોઇ જ નિરાકરણ આવતું નથી અને બિચારી જનતા પિસાઈ રહી છે, આ વચ્ચે આવા અધિકારીઓના માથે માટલા મુકીને લોકોએ પાણી ભરવા મોકલવા જોઇએ તો જ સમજાય કે, પાણી ખરેખર નળથી જ આપવું જોઇએ.
પાણીની સમસ્યાને લઇને અમને લખી મોકલો meragujarat2022@gmail.com અથવા તો ટ્વીટર @MeraGujarat2022 પર અમને જણાવો
અમને ફેસબુકના માધ્યમથી પણ સંપર્ક કરી શકો છો. Mera Gujarat