છોટા ઉદેપુર જીલ્લાના સુરકાલ ગામના બંને ભાઈ કોલીખડ ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા હતા, હત્યાનો કારણ અકબંધ
અરવલ્લી જીલ્લામાં એક મહિનામાં ત્રણ હત્યાના બનાવ બનતા ભારે ચકચાર મચી છે મોડાસા તાલુકાના કોલીખડ ગામમાં એક ખેડૂતના ખેતરમાં ભાગીયા તરીકે રહેતા છોટાઉદેપુરના સુરકાલ ગામના બે ભાઈ વચ્ચે અગમ્ય કારણોસર ઝગડો થતાં નાના ભાઈએ મોટા ભાઈને લાકડી ના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ જતા સનસનાટી મચી હતી ખેતર માલિકે ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર,કોલીખડ ગામના નિકુંજભાઈ માવજીભાઈ પટેલના ડુંગરી વાળા ખેતરમાં છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુર તાલુકાના સુરકાલ ગામના બકાભાઈ સબુરભાઈ નાયકા અને લાલાભાઇ સબુરભાઈ નાયકા નામના ભાઈઓ ભાગીયા તરીકે ખેતરમાં ખેતમજૂરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા મંગળવારે રાત્રિના 8 વાગ્યાના સુમારે બંને ભાઈઓ વચ્ચે ઝગડો થયા બાદ જાણે લાલા નાયકાના માથે ઝનૂન સવાર થયું હોય તેમ તેના ભાઈ પર લાકડી વડે તૂટી પડતા બકાભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોચતા સ્થળ પર પ્રાણ પંખેરું ઉડી ગયું હતું લાલા નાયકાના હાથે તેના ભાઈની હત્યા થતાં ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ ખેતર માલિક નિકુંજ પટેલ સહિત અન્ય ખેડૂતો થતાં સ્થળ પર દોડી આવ્યા હતા મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શ્રમિક મજૂર ભાઈએ ભાઈની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી
મોડાસા ટાઉન પોલીસે કોલીખડના ખેતર માલિક નિકુંજકુમાર માવજીભાઈ પટેલની ફરિયાદના આધારે લાલા સબૂરભાઈ નાયકા (રહે,સુરકાલ-છોટાઉદેપુર)સામે હત્યાનો ગુન્હો નોંધી હત્યારાને ઝડપી પાડવા જુદી-જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો