રાજકોટમાં આગકાંડની ઘટનાને લઇને અધિકારીઓના પાપે 28 જિંદગી આગમાં હોમાઈ ગઈ, તેમછતાં હજુ અધિકારીઓ પોતાની રીતે માત્ર ખાનાપૂર્તિ કામગીરી કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર ટ્યુશન ક્લાસિસ, હોસ્પિટલ્સ, મોલ અને કેટલાય એકમો એવી જગ્યાઓ પર ચાલે છે, જેમાં આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાય તો જાનમાલને નુકસાન થાય તો નવાઈ નહીં.
અરવલ્લી જિલ્લાના મોડાસા નવા બસ સ્ટેશન નજીક સાંકળી ગલીમાં તેમજ બહારની બાજુએ સાંકળી સીડી પર ચઢી ને ગ્રાહકો ખરીદી કરવા જતાં હોય છે, અહીં એક જ સીડી છે, છતાં પાલિકા તંત્રએ શું કાર્યવાહી કરી છે તે સવાલ છે. રાજકોટમાં ટાઉન પ્લાનિંગના અધિકારીઓ પર કાયદાનો સકંજો કસાયો છે ત્યારે નવા બસ સ્ટેશન નજીક આવા બાંધકામનો ખેલ કોણે પાડ્યો હશે તે પણ સવાલ છે. અહીં ફાયર સેફ્ટીનો અમલ કેવી રીતે થતો હશે તે પણ સવાલ છે.
મોડાસાના પાવનસિટી માં કેટલાય ક્લાસિસ એવા છે કે, અહીં અવર-જવર માટે વિકલ્પ નથી તેમ છતાં તંત્રએ ખાનાપૂર્તિ કાર્યવાહી કરીને સંતોષ માની લીધો છે. રાજકોટમાં જ આવી જ ખાનાપૂર્તિ થઈ હતી, હવે આંગકાંડની ઘટના બાદ અધિકારીઓ પર કાયદાનો સકંજો કસાયો છે ત્યારે અરવલ્લીમાં પણ અધિકારીઓની માત્ર નામપૂર્તિ કાર્યવાહીથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટની ઘટના બાદ અધિકારીઓને નાછૂટકે દેખાડો કરવાનો વારો આવ્યો છે, ત્યારે તેમને આ પસંદ ન હોય તેથી માત્ર દેખાડો કરતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હજુ સુધી કેટલા એકમો ને સીલ કરાયા તે પણ એક સવાલ છે. એવું લાગે છે કે, અરવલ્લી જિલ્લામાં બધુ સલામત અને પાલિકા અને વહીવટી તંત્રની તપાસ બાદ સારૂ ચાલી રહ્યું હોય તેમ હવે માનવા સિલાય બીજો કોઈ વિકલ્પ નથી.