મોડાસા તાલુકાના સાકરિયા ગામના તળાવમાં ડૂબી જવાથી ૧૪ વર્ષિય કિશોરનું મોત થયું હતુ. મૃતક કિશોર ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. જ્યારે તેના પિતાનું પણ મોત થયેલ છે ત્યારે પરિવાર ઉપર આભ તૂટી પડયું હતુ. બનાવને પગલે મોડાસા નગરપાલિકાની ફાયર ટીમે દોડી પહોંચી મૃતક કિશોરની લાશ તળાવમાંથી બહાર કાઢી હતી.
મોડાસાના સાકરિયા ગામે પિતા વિનાનો અને ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ તળાવમાં ડૂબી ગયો હતો. દેવ રાજેશભાઈ તરાર ઉ.વ.૧૪ સોમવારે મિત્રો સાથે સાકરિયા તળાવમાં ન્હાવા ગયો હતો. દરમિયાન દેવ તરાર તળાવમાં ડૂબી ગયો હતો. આ સમાચાર ગામમાં પહોંચતાં મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે એકઠા થઈ ગયા હતા.તાબડતોબ મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને ડૂબી ગયેલ કિશોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ભારે મહેનત બાદ ફાયર ટીમે તળાવમાં ડૂબી ગયેલ કિશોરની લાશ બહાર કાઢી હતી. ચાર બહેનો વચ્ચે એકનો એક ભાઈ આશાનું કિરણ હતો અને તેનું મોત થતાં સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો હતો.
અગાઉ પિતાનું મોત થયા બાદ કિશોર મોટો થઈ બહનો અને ઘરની જવાબદારી સંભાળશે તેવી પરિવાર આશા અને અરમાન રાખી રાખી રહ્યો હતો પરંતુ કુદરતના પ્રકોપ વચ્ચે પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. બનાવને પગલે મોડાસા રૂરલ પોલીસે દોડી પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.