કચ્છ : ભચાઉના ચોપડવા પુલ પાસે ચીરઈના બુટલેગરે LCB-પોલીસની ટીમ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો, બુટલેગર સાથે કારમાંથી CID ક્રાઇમની મહિલા પોલીસ પણ ઝડપાઈ ,ઘટના દરમિયાન સ્વબચાવમાં LCBએ ફાયરીંગ કર્યાની પણ ચર્ચા, જીપની તલાસી લેતા દારૂનો જથ્થો મળ્યો, બુટલેગર યુવરાજ અને મહિલા પોલીસ નીતા ચૌધરી વિરુદ્ધ પોલીસે કરેલી કાર્યવાહી
પૂર્વ કચ્છમાં બનેલી એક ચકચારી ઘટનામાં ભચાઉના ચોપડવા પુલ પાસે જૂની મોટી ચીરઈના રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ ભચાઉ પોલીસ અને પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમ ઉપર તેની થાર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બુટલેગરને જયારે પોલીસની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કાર પોલીસ ઉપર ચઢાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ પણ કર્યું હોવાની વાત ચર્ચાઈ રહી છે. સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે, બુટલેગરને પકડીને તેની કારની તલાશી લેવામાં આવી ત્યારે તેમાં તેની સાથે ગાંધીધામમાં CID ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી પણ ઝડપાઇ હતી. મહિલા હેડ કોન્સ્ટેબલ નીતા વશરામભાઈ ચૌધરી સોશિયલ મીડિયામાં પોલીસ યુનમિફોર્મમાં અવનવા વિડીયો બનવાતી હોવાને કારણે પણ જાણીતી છે. પોલીસની ઓફિશિયલ પ્રેસ નોટ મુજબ બંને સામે હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવાનું જણાવાયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે બુટલેગર યુવરાજ અને મહિલા પોલીસ નીતા ચૌધરી થાર કારમાં ગાંધીધામ તરફ આવી રહ્યા હતા ત્યારે હાઇવે ઉપર પોલીસની ટીમે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ વાત પોલીસે પ્રેસનોટમાં પણ કબુલી છે. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કારણે રોકવાને બદલે તેને પોલીસ ઉપર ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે એલર્ટ પોલીસે સ્વ બચાવમાં સામે ફાયરિંગ કર્યું હોવાનું સૂત્રો દાવો કર્યો હતો. અલબત્ત ફાયરિંગ થયું છે કે નહીં તે જાણવા માટે જયારે પૂર્વ કચ્છના એસપી IPS સાગર બાગમારે (Sagar Bagnar) નો સંપર્ક કરવામાં આવતા તેમણે ફાયરિંગ અંગે ચેક કરીને જણાવું છું તેમ કહ્યું હતું. રવિવારે બનેલી ઘટના અંગે ગાંધીધામના યુવા એસપી અંધારામાં હોવાની વાતથી પણ લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી. થોડીવાર વાર પછી ફરીથી SP સાગરનો પ્રયત્ન કરવામાં આવતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો.
ભચાઉ પોલીસની પ્રેસનોટમાં જણાવ્યા પ્રમાણે, ભચાઉ પોલીસ અને LCBની ટીમ એસપી સાગર બાગમારેની બાતમી અને સુચનાને પગલે વોચમાં હતી ત્યારે સામખીયાળીથી ગાંધીધામ તરફ જઈ રહેલી સફેદ કલરની થાર જીપને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈશારા કરવા છતાં કાર રોકવાને બદલે તેમની ઉપર હત્યાના પ્રયાસ કરવા માટે ઉપર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. કારને કેવી રીતે રોકવામાં આવી હતી તેનો સ્પષ્ટ ઉલ્લેખ પોલીસની પ્રેસનોટમાં કરવામાં આવ્યો નથી. પોલીસે જયારે કારની તલાશી લીધી તો તેમાંથી નવ જેટલા જુદા જુદા ગુન્હામાં સપડાયેલો ચીરાઇનો બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસુંહ જાડેજા (30) અને તેની સાથે નીતાબેન વશરામભાઇ ચૌધરી (34)ને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પ્રેસનોટમાં નીતાબેન ચૌધરી CID ક્રાઇમમાં મહિલા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેવું ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. તેમની પાસેથી ભારતીય બનાવટનો અંગ્રજી શરાબ પણ મળી આવ્યો હોવાને પગલે પોલીસે હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો છે.
નીતાનો વિડીયો, ગંદે બચ્ચે પુલીસ મે જાતે હૈ, ક્યોં કી… : વૈભવી કાર તેમજ અલગ અલગ લોકેશન ઉપર વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકનારી મહિલા હેડ કોન્સેટબલ અગાઉ ગાંધીધામ પોલીસમાં ફરજ બજાવી ચુકી છે. હાલમાં તે CID ક્રાઇમ ફરજ બજાવે છે. DGP વિકાસ સહાય દ્વારા યુનિફોર્મમાં વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવા માટે પ્રતિબંધ મુક્યો હોવા છતાં નીતા ચૌધરી બિંદાસ્ત વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતી હતી. એક વીડિયોમાં તે પોલીસ યુનિફોર્મમાં નજરે પડે છે. જેમાં તે કહે છે કે, ગંદે બચ્ચે પોલીસમાં કેમ આવે છે.