ગુજરાતમાં નકલી ઘી,માવો,તેલ, ભેળસેળ વાળી મીઠાઈઓ સહિત અનેક બ્રાન્ડેડ ચીજવસ્તુઓની ડુપ્લીકેટ પ્રોડક્ટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે લોકો સવારની શરૂઆત જ ચાની ચુસ્કી થી કરતા હોય છે ત્યારે અસલી ચાના પૈસા ચૂકવી ચાના નામે ઝેરી કેમિકલની ચુસ્કી અનેક લોકો લઇ ચૂક્યા હોવાની ઘટના બહાર આવતા ભિલોડા પંથકમાં ખળભળાટ મચ્યો છે ભિલોડા નગરની બે કરિયાણાની દુકાનમાંથી વાઘ બકરી કંપનીની નકલી ચાના 128 ડુપ્લીકેટ પાઉચ કંપનીના કર્મીઓએ ભિલોડા પોલીસ સાથે રાખી ઝડપી પાડી બંને વેપારીઓ સામે ફરીયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી.
ભિલોડા નગરના નીરસાગર પ્લાઝા કોમ્પલેક્ષમાં માનસી ટ્રેડિંગ કંપની અને કોમલ કિરાણા સ્ટોર્સ નામની દુકાનમાં વાઘબકરી બ્રાન્ડની ડુપ્લીકેટ ચાનું વેચાણ થતું હોવાનું સેલ્સમેનના ધ્યાને આવતા રૂબરૂ તપાસ કરતા નકલી વાઘબકરી ચાનું વેચાણ થતાં આ અંગે અમદાવાદ સ્થિત કંપની ને જાણ કરતા તાબડતોડ અમદાવાદથી વાઘબકરી ચાની ટીમ ભિલોડા દોડી આવી હતી ભિલોડા પોલીસને સાથે રાખી માનસી ટ્રેડિંગ કંપનીમાં વાઘબકરી ચાના ડુપ્લીકેટ નાના-મોટા 24 પેકેટ રૂ.5440 અને કોમલ કિરાણા સ્ટોર્સમાંથી નકલી વાઘબકરી ચાના નાના-મોટા 64 પેકેટ રૂ.1120નો જથ્થો જપ્ત કરી માનસી ટ્રેડિંગ કંપનીના સુનિલ મુરલીધર ખેમાણી અને કોમલ કિરાણા સ્ટોર્સના સેણુલાલ ભાગુજી પુરબિયા સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી
ભિલોડા નગરમાં ડુપ્લીકેટ વાઘબકરી ચાનું વેચાણ કરનાર બંને લેભાગુ વેપારીઓ સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ભિલોડા સહિત અરવલ્લી જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સનું જાણે અસ્તિત્વ ન હોય તેમ નકલી અને હલકી ગુણવત્તા સભર ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તંત્ર ફક્ત ખાનાપૂર્તિ પુરતું તપાસનું નાટક કરતુ હોવાનું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે અસલીના નામે નકલી વાઘ બકરી ચાનું વેચાણ કરી લોકોને આર્થિક અને આરોગ્યલક્ષી નુકશાન કરનાર બંને વેપારીઓ સામે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહીની પ્રજાજનોમાં માંગ પ્રબળ બની છે