મેઘરજ એટીએમમાં ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઇકો કાર એટીએમ તોડ ગેંગે મોડાસાથી ચોરી કરી હોવાની ચર્ચા, જીલ્લામાં અનેક ATM સિક્યુરિટી ગાર્ડ વિહોણા હોવાથી તસ્કરોને મોકળુ મેદાન, ATM ગેસ કટરથી કાપતી આંતરરાજ્ય ટોળકી સક્રિય થઈ હોવાની ચર્ચા
રાજ્યમાં અવારનવાર એટીએમ લૂંટની ઘટના બનતી રહે છે. રાજ્યમાં આવેલા એટીએમમાં કેમેરા હોવા છતાં પણ તસ્કરો ચોરી કરવામાં સફળ થતા હોય છે. અરવલ્લી જીલ્લામાં કારમાં ગેસ કટર સાથે પહોંચી એટીએમમાં ચોરી કરતી તસ્કર ટોળકીએ મેઘરજ નગરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનને કાપી રૂપિયા ભરેલ બોક્સની ચોરી કરી રફુચક્કર થઈ જતા ચકચાર મચી હતી મેઘરજ પોલીસના નાઇટ પેટ્રોલીંગના પોકળ દાવા વરસાદી માહોલમાં તણાઈ ગયા હતા એટીએમ મશીનની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,મેઘરજ નગરમાં રવિવારે રાત્રિના સુમારે ઇકો કારમાં પાંચ તસ્કરો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે ટાઈઅપ ધરાવતા હિટાચી એટીએમ મશીનમાં તસ્કરો ગેસ કટર સાથે ત્રાટક્યા હતા અને ગણતરીની મિનિટ્સમાં એટીએમ મશીનમાં રહેલ પૈસા ભરેલ બોક્સની ચોરી કરી બિંદાસ્ત રફુચક્કર થઈ ગયા હતા સ્ટેટ બેંકના એટીએમમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતાં મેઘરજ પોલીસ અને સ્ટેટ બેંકના કર્મીઓ સ્થળ પર દોડી આવ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો