ઘરની પાછળના ભાગે કપડાં સુકવવાના તારમાં વિજકરંટ ઊતરતાં ઘટના ઘટી, ડાભા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
બાયડ તાલુકાના ડાભા ગામે અગમ્ય કારણોસર કપડાં સુકવવાના તારમાં વિજકરંટ ઊતરતાં એક જ પરિવારના ત્રણ સભ્યોને વિજકરંટ લાગતાં પિતા-પુત્ર બે વ્યક્તિનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું જ્યારે મરનારની પત્ની સારવાર હેઠળ છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના ડાભા ગામે રહેતા ભુપતસિંહ ચંદ્રસિહ ઝાલા ઘરની પાછળ આવેલા કપડાં સુકવવાના તારને અડકી જતાં તારમાં કોઈ અગમ્ય કારણોસર વિજકરંટ ઊતરતાં ભુપતસિંહને વિજકરંટ લાગતાં તેમને બચાવવા માટે તેમનો પુત્ર વિરેન્દ્રસિહ ઝાલા કોદાળી લઈને દોડી આવતાં કોદાળીના હાથામાં ભેજ હોવાથી પુત્ર વિરેન્દ્રસિહ પણ વિજકરંટની ઝપટમાં આવી ગયા હતા. પિતા-પુત્રને બચાવવા ભુપતસિંહના પત્ની કૈલાસબા સામે ગમાણમાંથી દુધ દોહતાં હતાં જે દોડી આવતાં કૈલાસબાને પણ વિજકરંટ લાગતાં તેઓ ફંગોળાઈ ગયાં હતાં .ઘટના બનતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વિજકરંટનો ભોગ બનનાર ત્રણે સભ્યોને દવાખાને લઈ ગયા હતા જ્યાં હાજર ડાૅક્ટરે પિતા-પુત્ર ભુપતસિંહ ચંદ્રસિહ ઝાલા ઉ.વ.૫૫., વિરેન્દ્રસિહ ભુપતસિંહ ઝાલા ઉ.વ.૧૮. ને મ્રુત જાહેર કર્યાં હતાં .
જ્યારે મરનારની પત્ની કૈલાસબાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતા.
બાયડ તાલુકાના ડાભા ગામે એક જ ઘટનામાં આખો પરિવાર વિખેરાઈ જતાં શોક સાથે ગમગીની છવાઇ ગઇ હતી.
ઘટનાની આંબલીયારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મરનારની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.