સમગ્ર દેશ સહિત ગુજરાતમાં 78માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ઠેર ઠેર ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે વિવિધ શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસા નગર પાલિકા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પાલિકા પ્રમુખ નીરજ શેઠના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મોડાસા નગર પાલિકાના પટાંગણમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પાલિકાના કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સારી કામગીરી કરનાર સફાઈ કામદારોને પાલિકા પ્રમુખના હસ્તે પ્રમાણ પત્રો એનાયત કરાયા હતા, આ સાથે જ વિવિધ વિભાગોના કર્મચારીઓને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સાથે જ મોડાસા શહેરમાં ડોર ટૂ ડોર કલેક્શન કરતા વાહનમાં વધારો થયો છે, રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા નવા બે વાહનને કાર્યરત કરાયા હતા. બે દીકરીઓ વિહાના ચૌહાણ અને ત્વરા કડિયા ના હસ્તે નવીન વાહનોને કાર્યરત કરાયા હતા. બંન્ને દીકરીઓએ નવીન વાહનોને કુમકુમ તિલક કરીને અક્ષત વધાવી શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મોડાસા નગર પાલિકાના પ્રમુખ નીરજ શેઠ, ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, પૂર્વ પ્રમુખ જલ્પબેન ભાવસાર, સેનેટરી વિભાગના ચેરમેન, બાંધકામ સમિતીના ચેરમેન, તેમજ વિવિધ વિભાગના પદાધિકારીઓ અને કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.