અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટર ને આવેદનપત્ર પત્ર આપી, લો કૉલેજમાં ભરતી કરવાની માંગ કરી છે. કોઈ કારણોસર લો કોલેજના વિદ્યાર્થીઓની ભરતી પ્રક્રિયા હજુ સુધી ન થતાં, ABVP અરવલ્લી જિલ્લા દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય, તૈ માટે સરકારને આવેદનપત્ર, કલેક્ટર મારફતે આપ્યું હતું. આ સાથે જ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે, જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી.
શનિવારના દિવસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં પહેલા સુત્રોચ્ચાર કર્યા હતા, ત્યારબાદ ધીર-ધીરે વિરોધ વધ્યો હતો. શનિવારના દિવસે કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાવાની હતી, જેને લઇને ઉચ્ચ અધિકારી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, ત્યારે ભારે સુત્રોચ્ચાર થતાં એ.એસ.પી. દોડી આવ્યા હતા, અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે વિદ્યાર્થીઓની માંગ હતી કે, તેઓ આવેદન પત્ર માત્ર જિલ્લા કલેક્ટરને જ આપવા માંગ છે, બસ આ જ માંગ સાથે જિલ્લા સેવા સદનના મુખ્ય માર્ગ પર ધરણા પર બેસી ગયા હતા. બરોબર બાર વાગ્યા સુધીનું આખરીનામુ વિદ્યાર્થી સંગઠને આપ્યું હતું, જ્યાં સુધી કલેક્ટર ન પહોંચ્યા, ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ધીરો ધીરે સુત્રોચ્ચાર વધતા ટાઉન પોલિસનો કાફલો પહોંચ્યો હતો અને શાંતિપૂર્ણ વિરોધ કરવા જણાવ્યું હતું, જોકે વિદ્યાર્થી સંગઠને જણાવ્યું કે, તેઓ માત્ર બેસીને જ સુત્રોચ્ચાર કરીને, વિદ્યાર્થીઓના હક્કની વાત, સરકાર સુધી પહોંચાડવા માંગે છે.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ પરિષદ જણાવ્યું કે, ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખુબ જ ચિંતાજનક વિષય છે કે, ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજુવાત કરવામાં આવ્યું હતું. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખુબ જ દયનિય છે, જેના પર સરકારના ત્વરિત પગલાં અતિઆવશ્યક છે. આ સાથે જ વિદ્યાર્થી સંગઠનની જે માંગ હતી, તેમાં,
1. ગુજરાત ની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે.
2. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે.
3. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિધાર્થીને આપવા આવતી ગ્રાન્ટ માં વધારો કરવામાં આવે.
કલેક્ટર કચેરી ખાતે સવારના સમયે ભારે સુત્રોચ્ચાર અને રામધૂન થતાં અરજદારોમાં પણ કૂતુહલ સર્જાયું હતું. અરજદારો તો ઠીક કેટલીક કચેરીઓના કર્મચારીઓ પણ વિરોધ પ્રદર્શન જોવા માટે બારીમાંથી ડોકિયા કરતા નજરે પડ્યા હતા.