સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા સહિત અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ જામ્યો છે. અરવલ્લી જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.
જન્માષ્ટમીનો પર્વ હતો, ત્યારે રજાના દિવસે જ અધિકારીઓની મજા, વરસાદે બગાડી દીધી હતી. જેવા પાણી ભરાવાના અહેવાલો મળ્યો કે, તુરંત જ મજબૂરીના માર્યા અધિકારીઓએ દોટ મુકી હતી અને આકુળ વ્યકુળ બની, પાણીના નિકાલ માટેની તજવીજ હાથ ધરી હતી, જોકે પાણીનો નિકાલ કેવી રીતે થશે, તે અંકે કોઈ વિચાર જ ન આવ્યો. અહીં રોડ ઊંચા અને મકાનો નીંચાણમાં આવી ગયા હતા. પાલિકાના પાપે લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો.
મોડાસા શહેરના ડુગરવાડા રોડ પરની વિવિધ સોસાયટીમાં પાણી ભરાઈ જતાં લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે ઉઠતાની સાથે જ પાણી, બહાર કાઢવાની નોબત આવી હતી, જોકે વરસાદ બંધ થાય તો પાણી બહાર કાઢી શકાય, તેવી સ્થિતિ હતી. આવી પરિસ્થિતિમાં અવર-જવર કરતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.