ગોધરા
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ગત તા.૨૪થી ૨૭ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વરસાદને લઇને ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે રાજ્યના શિક્ષણ અને પંચમહાલ પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. પંચમહાલ જિલ્લાની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને કામગીરી અંગે વિવિધ સૂચનો કર્યા હતા.તેમણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં યુદ્ધના ધોરણે રાઉન્ડ ધ ક્લોક કરેલ કામગીરીને બિરદાવી હતી. તેમણે વીજળી,રસ્તાઓ સહિતના પાક નુકસાન બાબતે જરૂરી સર્વે અને કામગીરી કરવા જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને સંકલનમાં રહીને પાણીનો નિકાલ, રસ્તાઓના ડેમેજ બાબતે મેટલ થકી પુરણ, મકાન પડી ગયા હોય અથવા અંશતઃ નુકસાન હોય તો ત્વરિત સહાય, પશુ મૃત્યુની સહાય, વીજળીના પ્રશ્નો બાબતે એમ.જી.વી.સી.એલ વિભાગને દાહોદ અને મહીસાગરની વધારાની ટીમો બોલાવીને ઝડપી કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા જિલ્લાની સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન થકી સમગ્ર માહિતી રજૂ કરાઈ હતી. જેમાં વરસાદને પગલે જિલ્લામાં પંચાયતના કુલ ૨૨ રસ્તાઓ બંધ કરાયા હતા,જેમાંથી કુલ ૧૧ રસ્તાઓ ફરી ચાલુ કરવામાં આવ્યા છે. પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓને આવનાર ત્રણ દિવસ સુધી ફિલ્ડમાં રહીને તમામ કામગીરીનું રિપોર્ટિંગ કરવા જણાવ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે બે દિવસમાં કુલ ૮૦ ફરિયાદો નોંધાતા તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ કરાયું હતું. વરસાદને પગલે જિલ્લામાં ૧૯૬ વીજપોલ ધરાશયી થયા હતા જેમાંથી ૪૧ વીજપોલ કાર્યરત કરાયા છે બાકીની કામગીરી પ્રગતિ હેઠળ છે. એમ.જી.વી.સી.એલ ની ૯૭ ટીમો કામગીરી કરી રહી છે. પાણી ઉતરતા ખેતીવાડી વિભાગ દ્વારા પાકના નુકસાન અંગે સર્વે કરાશે તથા આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓ સહિત પાવડરનો છંટકાવ કરવામાં આવશે.
આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો વરસાદના પગલે નુકસાન બાબતે ચર્ચા કરાઈ હતી. જેમાં ભુરાવાવ ચોકડીથી બાયપાસ રસ્તાનું સમારકામ, સરસાવ અને ગામડી વચ્ચેના બ્રીજનું કામ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યાં પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી. જિલ્લામાં જે શાળાઓ નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે ત્યાં ગ્રામ પંચાયત અને શાળાએ સંકલન કરીને માટીથી પુરણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત જિલ્લાના સબંધિત અધિકારીઓ,મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
*