ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે મુખ્યમંત્રી સૌરાષ્ટ્રની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા ખાતે ભારે વરસાદ સંદર્ભે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલા નુકસાન, લોકોના સ્થળાંતર, રેસ્ક્યુ સહિતની વિગતો મેળવી હતી.
વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરીને સાફ-સફાઈ, જંતુનાશક દવાના છંટકાવ માટે જરૂર જણાયે અન્ય જિલ્લાઓમાંથી સાધન-સામગ્રી સાથે ટીમ મોબિલાઈઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું, તેમજ સ્વચ્છતા-સફાઈને પ્રાથમિકતા આપવા અધિકારીઓને તાકીદ કરી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી પહોંચાડીને જનઆરોગ્યની ચિંતા કરવા સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી.
સરકારનું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અને લોકોને નુકસાનમાંથી બેઠા કરવામાં સહાયરૂપ થવાનું છે. આ માટે વરસાદ અટકે એટલે બનતી ત્વરાએ નુકસાનીનો પ્રાથમિક સરવે હાથ ધરવા સહિતની બાબતો આયોજનબદ્ધ રીતે હાથ ધરવા માર્ગદર્શન આપ્યું.