અરવલ્લી જિલ્લામાં હાલમાં જ ભારે વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં ખાસ કરીને રામપાર્ક વિસ્તારમાં આવેલી વિદ્યાકુંજ, માણેકબાગ, અમરદીપ સોસાયટી વિસ્તાર તેમજ જુના આરટીઓ નજીક આવેલી અમનપાર્ક, જીલાનીપાર્ક, ગરીબ નવાજ, ઝમઝમ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી નગરજનોને મોટાપાયે નુકસાની વેઠવાનો વરો આવ્યો છે, ત્યારે જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા કલેક્ટર તેમજ પાલિકા પ્રમુખને આવેદન પત્ર આપ્યું છે.
સ્થાનિક લોકોએ આવેદન પત્ર આપતા રજૂઆત કરી છે કે, મોડાસા શહેરના વોર્ડ નંબર 7,8, અને 9 માં ના વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સર્વે કરી તાત્કાલિક અસર થી દવા છંટકાવ થાય અને સહાય ચુકવવામાં આવે. આ સાથે જ લીમડા તળાવ માંથી પાણીનો કાયમી ધોરણે નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી.
મોડાસા કોલેજ કેમ્પસની આજુબાજુની અમનપાક, જીલાનીપાર્ક, ગરીબ નવાજ, ઝમઝમ વગેરે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને તેના રહેવાસીઓ માટે લગભગ તમામ બાર નીકળવાના માર્ગો બ્લોક થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ સમસ્યા છેલ્લા 20 વર્ષથી છે. આ સજોગોમાં ત્યાંના રહીશોની હાલત કફોડી થઈ જાય છે, રોજી રોટી કમાવા નીકળવાનો પણ રસ્તો રહેતો નથી.
આ સાથે જ નગરજનોએ ભૂગર્ભ યોજના માં તૂટી ગયેલા રોડ નું જે પણ કામ બાકી છે તે સારી ગુણવત્તા સાથે પૂરું કરવા જિલ્લા કલેક્ટર, જિલ્લા સાંસદ અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી.