અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન મોડાસા નગરમાં થયું હતું, ત્યારે મોડાસા નગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સાફ -સફાઈની કામગીરી શરૂ કરી છે. મોડાસા નગર પાલિકા દ્વારા શહેરની વિદ્યાકુંજ, રામપાર્ક, સાબરકાંઠા બેંક સોસાયટી સહિત ભેરૂંડા રોડ પરની વિવિધ સોસાયટીઓમાં પાણીનો સત્વરે નિકાલ થાય તે માટે અલગ અલગ ટીમ કામે લગાવી હતી. આ ટીમની ભારે જહેમત અને કોર્પોરેટરના જરૂરી માર્ગદર્શન થી પાણીનો થોડા દિવસોમાં નિકાલ થતાં, લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પાણી ઓસર્યા બાદ, શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકીનો દોર જોવા મળ્યો હતો, જોકે પાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં સાફ-સફાઈની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. મોડાસા નગર પાલિકા દ્વારા શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરીને કાદવ-કીચડ દૂર કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ કામગીરી બાકી છે.
ચાલુ વર્ષે જે રીતે વરસાદ થયો અને લોકોના ઘરોમાં પાણી ભરાયા, તેવી સ્થિતિ આગમી દિવસોમાં ન સર્જાય તેવી પણ લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે જ જે લોકોને નુકસાન થયું છે, તેનું વળતર આપવાની અને અપાવવાની જવાબદારી પણ મોડાસા નગર પાલિકાની જ છે, તે વાત પણ નકારવી ન જોઈએ.