બ્રુનેઈની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સિંગાપોરની બે દિવસીય સત્તાવાર મુલાકાતે ચાંગી એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાં ભારતીય સમુદાયે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું. સિંગાપોર હોટલની બહાર બિનનિવાસી ભારતીયો મોટી સંખ્યામાં દેખાયા હતા. પીએમ મોદીને આવકારવા માટે કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય પણ રજૂ કર્યા હતા.
સિંગાપોર પહોંચતા જ પ્રધાનમંત્રી મોદીની અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી. તે મહારાષ્ટ્રના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ત્યાં હાજર કલાકારો સાથે મહારાષ્ટ્રીયન ધૂન પર જોરશોરથી ઢોલ વગાડ્યો હતો. આટલું જ નહીં તે પોતે પણ NRI સાથે ઢોલ વગાડીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સિંગાપોરમાં હોટલની બહારથી પીએમ મોદીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા પ્રધાનમંત્રી મોદીને રાખડી બાંધી રહી છે. આ સિવાય પીએમ મોદી સાથે સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી. પીએમ મોદી જે હોટલમાં રોકાયા છે ત્યાં હાજર એક વ્યક્તિને ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગને મળશે. તેઓ સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમને પણ મળશે. આ સિવાય પીએમ મોદી સિંગાપોરના ઉદ્યોગપતિઓને પણ મળશે.
આ પહેલા બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનથી પીએમ મોદીનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં છોકરીઓ દ્વારા બનાવેલી પેઈન્ટિંગ્સ જોઈને તેઓ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે પેઈન્ટિંગ પર છોકરીને ઓટોગ્રાફ પણ આપ્યો.
આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. તેમની સિંગાપુર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.