છેલ્લા ઘણાં સમયથી એસ.ટી. વિભાગ ખાડે ગયું હોય તેવું લાગે છે, છાશવારે બસ ની અનિયમિતતા, બસ ઊભી ન રાખવી તેમજ સુવિધાના અભાવે મુસાફરો હાલાકીઓનો સામનો કરતા હોય છે. છેલ્લા ઘણાં સમય થી બસની અનિયમિતતના કારણે મુસાફરોને હાલાકી પડતી હોય છે, ત્યારે મોડાસા થી જાંબુડી જતીં બસનો સમય 17.45 થી 18.30 નો સમય હોવાની પ્રાથમિક વિગતો છે, જોકે મોડાસા એસ.ટી. બસ ડેપોથી ઉપડતી બસ રાત્રીના 19.30 ની આસપાસ ઉપડતી હોય છે, જેને લઇને મુસાફરોને હાલાકીઓનો સામનો કરવો પડે છે.
હાલ દિવસ લાંબો હોવાને કારણે એકવાર માટે બસ મોડી આવે તો માની લઇએ, પણ શિયાળાના સમય આવી જ સ્થિતિ સર્જાશે તો, મૂુસાફરો તેમજ જીવણપુરથી બામણવાડ, નાંદીસણ, ગડાદર, નાપડા સહિતના ગામડાઓમાં જતાં શાળાના વિદ્યાર્થીઓની હાલત શું થશે તે કહેવું મુશ્કેલ છે. એક મુસાફરે મીડિયા સમક્ષ ટિકિટ મુકી હતી, જેમાં સમય સ્પષ્ટપણે જોવા મળે છે કે, બસ કેટલી મોડી આવે છે.
મોડાસા જિલ્લા સેવા સદન તેમજ હંગામી બસ સ્ટેશનથી મોટી સંખ્યામાં મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ જાંબુડી જતી બસનો ઉપયોગ કરતા હોય છે, જોકે બસ મોડાસા એસ.ટી.બસ સ્ટેશનથી ઉપડવામાં અનિયમિતતાને કારણે કેટલાય મુસાફરોને હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે. સત્વરે આ બસનો સમય નક્કી કરવામાં આવે અને નિયમિત સમયે બસ ઉપડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.