સ્વચ્છતા અભિયાનનો દેખાડો કરતા અધિકારીઓ એક નજર અરવલ્લી જિલ્લા સેવા સદનના ખૂણા, લિફ્ટ જેવી જગ્યાઓ પર જુએ…
Advertisement
સમગ્ર દેશમાં 17 થી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે જોકે અધિકારીઓ અને નેતાઓ સાચે જ સ્વચ્છતા અભિયાનમાં મન થી જોડાય છે ? જો સવાલ સાથે સર્વે કરવામાં આવે તો લોકોના અભિપ્રાય કંઈક અલગ જ મળે અને આવા ફોટો સેશન કાર્યક્રમ પરથી પડદો હટી જાય.
વાત જાણે એમ છે કે, સમગ્ર અરવલ્લી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે પણ ઉચ્ચ અધિકારીઓ જ્યાં બેસે છે, એવા જિલ્લા સેવા સદનમાં ક્યાંરેય સ્વચ્છતા અંગે કોઈએ ડોકિયું કર્યું છે ? જો ના કર્યું હોય તો તમે જે સિડીથી ચઢતા હોવ, તે નહીં પણ બીજી સિડીનો ઉપયોગ કરો, અને જરા જુઓ કે અરવલ્લી જિલ્લા સેવા સદનના ખૂણાઓ લાલ રંગથી રંગાઈ ગયા છે. અહીં સ્વચ્છતા અભિયાન ક્યારે લાગૂ પડશે તે સવાલ છે. દુનિયાને દેખાડવા હાથમાં ઝૂડો પકડી લો છો, તો અહીં પોતું પણ પકડવું જરૂરી છે. ચાલો માની લઈએ અહીં અરજદારો આવતા હશે, પણ કેટલીક જગ્યાઓ તો એવી છે કે, ત્યાં પીચકારી માત્ર અધિકારી કે કર્મચારી જ મારી શકે.
બાપૂને સાચા દિલથી માનીને સ્વચ્છતા અભિયાનો દેખાડો કરવો હોય તો, એક દિવસ અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે પણ આ દેખાડો થઈ જાય. અરવલ્લી જિલ્લા સેવા સદનની લિફ્ટ, દરેક ખૂણાનો રંગ બદલાઈ ગયો છે. એટલું જ નહીં, ઉચ્ચ અધિકારીઓએ ઈલેક્ટ્રીક રૂમ પણ જોવો જોઈએ, કારણ કે, ત્યાંતો વાત જ જવા દો.
અરવલ્લી જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીની સમાધી અરવલ્લી જિલ્લામાં છે, કદાચ કેટલાય અધિકારીઓને ખ્યાલ નહીં હોય. કોઈ અધિકારી 2 ઓક્ટોબરના દિવસે બાપૂને નામ શુદ્ધા યાદ કરતા નથી. એકપણ વર્ષે અધિકારી પુષ્પાંજલિ માટે મહાદેવગ્રામ બાકરોલ જતાં નથી, ખૈર, આ વર્ષે સમાચાર જોઈ કોઈ અધિકારીનું હ્રદય પરિવર્તન થાય, અને પૂજ્ય બાપૂ ના નામે સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બનતા હોય અને જાય તો નવાઈ નહીં. સરકાર સારા આશય સાથે વિવિધ કાર્યક્રમો યોજે છે, પરંતુ અધિકારીઓ માત્ર કાર્યક્રમ પૂરતું જ રાખી સમિતિ કરી દેતા હોય છે.