અરવલ્લી જિલ્લામાં ક્રાઈમ ની ઘટનાઓ સતત વધતી હોય તેવું લાગે છે. ખાસ કરીને વિદેશી દારૂની હેરાફેરી બાદ હવે ગાંજાની હેરાફેરી તેમજ વેપલો વધી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક પોઈંટ પર હવે તો ગાંજાના પેડલર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તો ટાઉન પોલિસની નાક નીચે સ્પેશ્યલ ઑપરેશન ગૃપ એ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
અરવલ્લી જિલ્લા SOG ની ટીમ જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલ ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સૂચના મળી હતી, જે અન્વયે SOG પીઆઈ ડી.કે.વાઘેલા તેમજ તેમની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે રાણા સૈયદ વિસ્તારમાંથી ગાંજો પકડી પાડ્યો હતો. એસ.ઓ.જી.શાખા ની ટીમને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે મોડાસાના રાણાસૈયદ, નવી વસાહત ખાતે રહેતો મોહમુદ યાસીમ અહેમદૂમીયા ચૌહાણ પોતાના રહેણાંક ઘરમાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે, જે મળેલ બાતમીના આધારે SOG ની ટીમે મોહમદ યાસીમ અહેમદમીયા ચૌહાણ (ઉ.વ.૫૩ રહે.રાણાસૈયદ નવી વસાહત,) ના રહેણાંક ઘરે દરોડા પાડી, રસોડામાંથી જુદી-જુદી પ્લાસ્ટીકની થેલીઓમાંથી લીલાશ પડતા બદામી રંગનો સુકાઇ ગયેલ ડાળી તથા પુષ્પગુચ્છ સહીતની વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો (કેનાબુીસ) મળી આવ્યો હતો. પોલિસે તપાસ કરતા ગાંજાનો કુલ વજન ૭૪.૮૯ ગ્રામ થવા પામતો હતો, જેની કિંમત રૂપિયા-૭૪૦/- થવા પામતી હતી. પોલિસે કુલ રોકડ રૂ.૩,૯૫,૧૦૦/- તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કબજે કર્યો હતો. પોલિસે આરોપી વિરૂદ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮-સી, ૨૦- બી મુજબ ગુન્હો રજીસ્ટર કરી અટકાયત કરી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં ગાંજાનો જથ્થો પકડી પાડતા મોડાસા ટાઉન પોલિસની કામગીરી પર સવાસો ઉઠી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ પોલિસને પડદા પાછળનો ખેલાડી પકડવામાં કોઈ જ સફળતા મળી નથી. ગાંજો કોણે અને કેવી રીતે આ ઈસમ સુધી પહોંચાડ્યો, તે દિશામાં પોલિસ તપાસ કરશે કે પછી, માત્ર ગાંજો વેચનાર આરોપીનો પકડીને સંતોષ માનશે, તે પણ સવાલ અહીં ઊભો થાય છે. બાતમીદારો રાહ ચીંધે, ત કામગીરી તો સૌકોઈ કરે, પણ હવે, પડદા પાછળના પહેલવાને પકડવામાં SOG પોલિસ કાંઈ કરે છે કે નહીં તે પણ સવાલ છે.