મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા સંચાલિત સુપર સ્પેશિયલ ઓપીડી અને અધતન લેબોરેટરી મશીનનો ઉદઘાટન સમારંભ યોજાયો.
મંત્રી ભીખુસિંહ પરમાર અને સાંસદ શોભનાબેન એમ. બારૈયા ના હસ્તે રીબીન કાપી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા સંચાલિત સુપર સ્પેશિયલ ઓપીડી અને અધતન લેબોરેટરી મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું.
વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્ધારા સેવાઓનો વેગ વધારતા જાહેર જનતાના લાભાર્થે નવીન સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગ અને અધતન લેબોરેટરી મશીનનો ઉદઘાટન સમારંભ યોજાયો. જેમાં સમારંભના અધ્યક્ષ ભીખુસિંહ સી. પરમાર તથા શોભનાબેન એમ. બારૈયા – (સાંસદ સભ્ય સાબરકાંઠા / અરવલ્લી) એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભા વધારી હતી. તેઓના હસ્તે રીબીન કાપી નવીન વિભાગોનું ઉદઘાટન કરવામાં આવ્યું. તેઓએ રેડ ક્રોસમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ તથા બ્લડ કલેક્શન વાનનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ચેરમેનશ્રી ભરતભાઈ પરમારએ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા રેડક્રોસની સ્થાપના વર્ષ 2015 થી આજ સુધી કરેલ વિવિધ સેવાકીય કામગીરીઓની માહિતી આપી હતી તથા આગામી સમયમાં રેડક્રોસ દ્ધારા બ્લડ બેંક, ફિજિયોથેરાપી સેન્ટર, મેડિકલ સ્ટોર વગેરે સેવાઓ શરૂ કરવા અંગે માહિતી આપી હતી.
વધુમાં રેડક્રોસને હંમેશા મદદરૂપ થતાં મહેશભાઇ એ. પટેલ (પૂર્વ.ચેરમેન સાબરકાંઠા સહકારી બેંક લી.) નો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પધારેલ મુખ્ય મહેમાનો અને અતિથિ વિશેષ પ્રશસ્તિ પારિક (કલેક્ટર અરવલ્લી), મહેન્દ્રસિંહ બારૈયા (પૂર્વ ધારાસભ્ય – પ્રાંતિજ), નિરજભાઈ શેઠ (પ્રમુખ મોડાસા નગરપાલિકા), પિયુષભાઈ પટેલ – (માનદ મંત્રી સાર્વજનિક હોસ્પિટલ, મોડાસા), રાજીવ રંજન શ્રીવાસ્તવ (ચીફ મેનેજર, SBI બેન્ક મોડાસા) સૌનું બુકે, શાલ અને મોમેન્ટોથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપરાંત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ નર્સિંગ કોર્સના 90 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને સ્ટાઇપેન્ડ એનાયત કરાયું હતું. કલેક્ટર પ્રશસ્તિ પારિકએ પ્રાસંગિક પ્રવચન આપતા રેડક્રોસની સેવાઓ બિરદાવી હતી. સાસંદ શોભનાબેન એમ. બારૈયાએ રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓના વખાણ કર્યા હતા તથા આગામી સમયમાં નવીન વિભાગો શરૂ કરવા બનતા પ્રયત્નો કરવા જણાવ્યુ હતું. સમારંભના અધ્યક્ષ ભીખુસિંહ પરમારએ તેમના વિશિષ્ટ અંદાજમાં ઉદબોધન આપતા રેડક્રોસની સેવાઓને બિરદાવી હતી તથા આશીર્વચન આપ્યા હતા તેમજ રેડક્રોસની બ્લડ બેંક, ફિજીયોથેરાપી સેન્ટર શરૂ કરવા સરકારી જગ્યા ફાળવવા તથા આ અંગે કલેકટર શ્રીને ઘટતું કરવા જણાવ્યુ હતું.
આ પ્રસંગે રાતદિવસ રેડક્રોસની ચિંતા કરતાં અને રેડક્રોસને સમર્પિત થઈ વિશેષ સેવાઓ આપી વિકાસના પથ પર લાવનાર ચેરમેન ભરતભાઈ પરમારની સેવાઓને બિરદાવતા રેડક્રોસના કારોબારી સભ્યશ્રીઓ દ્ધારા શાલ અને બુકેથી બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારોબારી સભ્ય વનિતાબેન પટેલ, ડો.દીપ્તિબેન ઉપાધ્યાય, મુકેશભાઇ પટેલ, જીતેન્દ્રભાઈ અમીન, કનુભાઈ પટેલ, સભ્યો , તાલુકા શાખાના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, સહયોગીઓ, સ્ટાફગણ, તાલીમાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કારોબારી સભ્ય અરવિંદભાઈ શ્રીમાળી અને જયેન્દ્રભાઈ પંડ્યાએ કર્યું હતું. અંતે આભાર વિધિ વનિતાબેન પટેલએ કરી હતી.