હાલોલ,
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિર પરિસર ખાતે વિજયા દશમીના તહેવાર નિમિત્તે ઇતિહાસમાં પહેલીવાર શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો હતો.ભારત દેશની 51 શક્તિપીઠ પૈકી એક પાવાગઢ શક્તિપીઠ ખાતે આધ્યાત્મિક વાતાવરણમા અસત્ય પર સત્યના વિજય સમાન ગણાતા પર્વ દશેરાની ઉજવણી કરવામા આવી હતી. પાવાગઢ ખાતે જીણોધ્ધાર કરવામા આવેલા નવા મંદિર પરિસર ખાતે દશેરા પર્વને લઈને શસ્ત્રપુજન કરવામા આવ્યુ હતુ. કાલિકા મંદિર ટ્રસ્ટ અને પાવાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં પાવાગઢ પોલીસના બેન્ડ સાથે તેમજ શરણાઈઓના સુર અને માતાજીના શંખની સાથે મહાકાળી માતાજીના મંદિરના પૂજારીઓ દ્વારા ધાર્મિક વિધિ વિઘાન પ્રમાણે ધાર્મિક વાતાવરણમાં મહાકાળી માતાજીના ત્રિશૂળ અને માતાજીની તલવાર સહિત પોલીસના શસ્ત્રોનું શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ શસ્ત્ર પૂજનના શુભ પ્રસંગે કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ સહિત માં કાલિકા મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ તેમજ પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ.આર.જે.જાડેજા સહિત પોલીસ કર્મીઓ તેમજ પોલીસ બેન્ડના સદસ્યો અને સ્થાનિક લોકો તેમજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.