ગુજરાતમાં અકસ્માત ની ઘટનાઓ વધતા રાજ્ય સરકાર દ્વારા ટૂ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરતો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રનું સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે ફરજિયાતપણે કરવાનું રહેશે. રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરાયો છે.
રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.
મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ મુજબ નિયમ-૧૨૯ હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓના પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
- સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઈકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
- આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા પરિપત્રનો સરકારી બાબુઓ અમલ કરશે કે નહીં તે જોવું રહ્યું.





