અંકિત ચૌહાણ/જય અમીન
મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત સમગ્ર કેમ્પસમાં 15 કોલેજો આવેલી છે. જેમાં વકીલો તૈયાર કરતી કોલેજ એટલે શ્રી એન.એસ. પટેલ લો કોલેજના ઉત્સાહી પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશભાઈ એસ.વ્યાસ છેલ્લા 17 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે નિષ્ઠા પૂર્વક સેવાઓ આપી રહ્યા છે.
તેમની યશસ્વી કારકિર્દીના ભાગરૂપે આઇ.આઇ.ટી. કાનપુર ખાતે તેમને લેક્ચર આપવાનું આમંત્રણ મળ્યું છે. જે મોડાસા કેમ્પસ અને અરવલ્લી પંથક માટે આનંદ અને ગૌરવની વાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર વ્યાસના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં પંદર વિદ્યાર્થીઓએ કાયદા વિભાગમાં પીએચ.ડી. પૂરું કર્યું છે.
ડોક્ટર વ્યાસ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યમાં એક્સપર્ટ તરીકે એકેડેમિક સેવાઓ આપી રહ્યા છે. પોતાની તજજ્ઞતા અને વિદ્વતાનો લાભ એમ એસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેમજ અનેક સંસ્થાઓમાં આપી રહ્યાં છે. તેમના કાયદા વિષયના પુસ્તકો રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ પામ્યા છે.
તાજેતરમાં તેઓ નવેમ્બર મહિનામાં આઇઆઇટી કાનપુર ખાતે ન્યુ લેબર કોડ – 2019 વિષય પર પોતાનું વક્તવ્ય આપવા જવાના છે. ત્યારે મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ આર. મોદી ઉપપ્રમુખ મહેન્દ્ર મામા માનદ મંત્રી અને જાણીતા એડવોકેટ ધ્રુવભાઈ મહેતાએ ડૉ .વ્યાસને અભિનંદન પાઠવ્યાં હતા. શ્રી એન એસ પટેલ લો કોલેજ સ્ટાફ પરિવાર અને મિત્ર વર્તુળોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.