ગોધરા,
પંચમહાલ જીલ્લામાં દિવાળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. વચ્ચેના પડતર દિવસ બાદ આવતીકાલે નવા વર્ષની ધામધુમથી ઉજવણી થશે. જેના લઈને ગલગોટાના ફુલની માંગમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. જાંબુઘોડા પંથકમાં ગલગોટાની ખેતી કરતા ખેડુતો પણ ફુલો સારા ભારે વેચાઈ જતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાલમા રોડ પર પથારા પાથરીને ફુલોના હાલ વેચાઈ રહ્યા છે.નવા વર્ષના દિવસે મંદિરમાં પુજન અર્ચન,સહિતના ધાર્મિક કાર્યોમાં ફુલોની માંગ રહે છે.
પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા પંથકમાં ગલગોટાના ફુલોની ખેતી મોટા પ્રમાણમાં ખેડુતો કરી છે, અન્ય પાકો કરતા સારી એવી આવક પણ મળી રહે છે. નવરાત્રીનાં તહેવાર બાદ દિવાળીમાં ગલગોટાના ફુલની ભારે માંગ જોવા મળે છે. આવતી કાલે નવું વર્ષ હોવાથી જાબુઘોડા નગરના રોડ પર ફુલો વેચનારા વેપારીઓ દ્વારા પથારા નાખીને ફુલોના કારનું વેચાણ કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ગલગોટાના ફુલનો ભાવ 30 રૂપિયા પ્રતિકિલો હોય છે. ત્યારે નવા વર્ષને લઈને હાલમા ગલગોટાના ફુલના ભાવોમાં ભારે તેજી જોવા મળી રહી છે.હાલમાં પ્રતિકિલો 80 રૂપિયાના ભાવે ફૂલો વેચાયા હતા. આમ સારો એવો ભાવ મળતા ગલગોટાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હાલમાં વેપારીઓ ખેડુતો પાસેથી ગલગોટાના ફુલો લઈને હાર બનાવીને વેચતા લોકો ખરીદી કરી રહ્યા છે.