અરવલ્લી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર આવે છે ખરા ?
પોંચ વાગે’ને કેટલાય કર્મચારીઓના પગમાં ખણ આવવાની શરૂ થઈ જતી હોવાની રાવ
5.30 થી 5.45 ની વચ્ચે થેલો લટકાવી જિલ્લા સેવા સદનથી નિકળી જવાની રસમ
ઉચ્ચ અધિકારીઓએ સાંજે 6 કલાકે કોઈપણ કચેરીની મુલાકાત લેવી જોઈએ
અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકાર સરકારની સેવાઓ સુધારવાના પ્રયાસો કરે છે, જોકે અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર ને માત્ર ખેલ પાડવામાં જ રસ દાખવતા હોય છે. અધિકારીઓ કામમાં જરાય રસ દાખવતા નથી, એટલે કર્મચારીઓ છૂટવાના સમય પહેલા એટલે કે, સાંજના 6.10 પહેલા જ થેલો લટકાવી ઘરની વાટ પકડી લેતા હોય છે. આવી જ સ્થિતિ અરવલ્લી જિલ્લા પંચાયતની છે. અહીં અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર આવે તે માટે બાયમેટ્રિક અને આઈ સ્કેનર લગાવાયા છે, જોકે કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે.
રાજ્ય સરકારની વિવિધ સરકારી કચેરીઓમાં સવારનો ઓફિશિયલ સમય સવારે 10.30 વાગ્યાનો જ્યારે સાંજે 6.10 નો છે, જોકે સવારે અને સાંજે કેટલાય કર્મચારીઓ નિયમત સમય કરતાં મોડા આવવાની રાવ ઉઠવા પામી છે. એટલું જ નહીં સાંજે 5 વાગ્યે એટલે કેટલાય કર્મચારીઓના પગમાં ખણ આવવાની શરૂ થઈ જતી હોય છે કે, ક્યારે નિકળું. વારંવાર ઘડિયાળમાં જુએ અને ધીરે રહીંને, થેલો લટકાવી નિકળી જતાં હોવાની રાવ ઉઠી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરે આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ, કારણ કે, 5 વાગ્યા પછી જિલ્લા સેવા સદનના ગેટ બહાર થેલા લટકાવીને રિક્ષાની રાહ જોતા હોય છે.
અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજા માટે છે, પ્રજાના સેવાક છે, જોકે સરકારી સમય કરતા વહેલા ઘર નિકળી જવું તે કેટલા અંશે વ્યાજબી છે તે પણ એક સવાલ છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કચેરીઓમાં બાયો મેટ્રિક લગાવવા જોઈએ, જેથી પોંચ વાગે અને પગમાં ખણ આવતા કર્મચારીઓ અને અધિકારીઓને સમયસર કેચરી આવતા થાય અને સમયસર ઘરે જતાં થાય. બાકી તો તેમને કહેનાર તો કોઈ છે નહીં.