શામળાજી નજીક ગેરકાયદેસર બાયોડીઝલ પંપ પર દરોડો, અધિકારીઓએ મૌન સાધ્યું!
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ગેરકાયદેસર રીતે ચાલી રહેલા બાયોડીઝલ પંપ પર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ કાર્યવાહીને પગલે ગેરકાયદેસર વેપાર કરતા પંપ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શામળાજી રતનપુર હાઈવે પર એક બાયોડીઝલ પંપ કોઈપણ પ્રકારની માન્ય પરવાનગી વગર ધમધમી રહ્યો હતો. આ અંગેની ગુપ્ત બાતમી મળ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અચાનક હરકતમાં આવી હતી અને પંપ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પુરવઠા ટીમને સ્થળ પરથી બાયોડીઝલનો મોટો જથ્થો, મશીનરી અને વેચાણને લગતા શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હોવાનું મનાય છે. હાલ પુરવઠા વિભાગે સમગ્ર પંપને સીલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ સમગ્ર દરોડા અને જપ્ત કરાયેલા જથ્થા અંગેની સત્તાવાર માહિતી મેળવવા માટે જિલ્લા પુરવઠા અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ આપ્યો ન હતો અને ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. તંત્રની આ પ્રકારની શંકાસ્પદ કામગીરી અને અધિકારીઓના મૌન સામે હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.






