આયર્લેન્ડના વડા પ્રધાન સિમોન હેરિસે સ્પષ્ટ કર્યું હતું કે જો નેતન્યાહૂ આયર્લેન્ડમાં પગ મૂકશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું, “અમે આંતરરાષ્ટ્રીય અદાલતોને સમર્થન આપીએ છીએ અને તેમના આદેશોનું પાલન કરીએ છીએ.”
હવે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે એક નવો પડકાર ઉભો થયો છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) એ તેમની અને તેમના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ વિરુદ્ધ યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોનો આરોપ મૂકતા ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ વોરંટ ઓક્ટોબર 2023 અને મે 2024 વચ્ચે ગાઝા યુદ્ધમાં કથિત અપરાધો માટે જારી કરવામાં આવ્યું છે. હવે આ વોરંટ ICCના સભ્ય દેશો માટે બંધનકર્તા બની ગયા છે અને કેટલાક દેશોએ તેનો અમલ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.