આણંદના પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરે મિત્ર બુટલેગરોએ વિદેશી દારુનો જથ્થો મુક્યો હોવાની LCB પોલીસને બાતમી મળી હતી. આ પછી LCBએ પોલીસકર્મીના ઘરે દરોડા પાડીને વિદેશી દારુ સહિત 3.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરીને અન્ય ત્રણ શખસો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પેટલાદમાં હેડ કોન્સ્ટેબલના ઘરેથી દારુ ઝડપાયો
આણંદના પેટલાદમાં હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ધરમાં દારુનો જથ્થો બુટલેગરોએ મુક્યો હોવાની LCBને બાતમી મળી હતી. ત્યારબાદ LCBએ સુણાવ રોડના પંચવટી પાર્ક વાડિયા વિસ્તારમાં પોલીસકર્મીના ઘરમાં દરોડા પાડ્યા હતા અને વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
LCB પોલીસને મળી હતી બાતમી
LCB પોલીસને જાણકારી મળી હતી કે, પેટલાદના કલાલ પીપળનો રહેવાસી મોહસિનિયા લિયાકતિયા ઉર્ફે એલ.કે. મલેકે બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારુ મંગાવ્યો હતો. ત્યારબાદ તેણે પેટલાદના શેરપુરાના રહેવાસી મોઈનિયા મુનાફમિયા મલેક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમિયા મલેક દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરે દારુનો જથ્થો ઉતાર્યો હતો.
પોલીસકર્મીના બુટલેગરો મિત્રો
સમગ્ર મામલે જાણવા મળ્યું હતું કે, 22 ડિસેમ્બરે રાત્રિના સમયે સફેદ કલરની સ્વિફ્ટ કારમાં અન્ય આરોપીઓ પોલીસકર્મીના ઘરે પહોંચ્યા હતા. જેમાં આ આરોપીઓએ પોલીસકર્મીને બે-ત્રણ દિવસ માટે વિદેશી દારુનો જથ્થો તેના ઘરમાં મુકવા કહ્યું હતું. જો કે, બુટલેગરો પોલીસકર્મીના મિત્રો હોવાથી તે શરમમાં ના પાડી શક્યો નહી અને દારુનો જથ્થો મુકવા દીધો હતો.