મેરા ગુજરાત, ગાંધીનગર
રાજ્ય સરકાર દ્વારા વિકાસ માટે કરોડો-અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે, જોકે ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓને લઇને લોકો સુધી વિકાસ પહોંચતો નથી. આવું જ કંઈક છોટાઉદેપુર જિલ્લામાં સામે આવ્યું છે. કોંગ્રેસે ગંભીર આક્ષેપો સાથે ફંડના દુરૂપયોગની વાત કરતો ઘટસ્ફોટ કર્યો છે. છોટાઉદેપુર અને નર્મદા જીલ્લામાં ટ્રાયબલ સબપ્લાન કચેરી દ્વારા આદિવાસીઓના વિકાસના નાણાંના આયોજનમાં જીલ્લા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સૂચનોને અવગણીને પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ભાજપાના નેતાના ઘરે બેસીને મનસ્વી રીતે આયોજન કરી અમલ માટે મોકલી આપવા બાબતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ નેતા એ ગંભીર આક્ષેપો કરી હતી, જેમાં જણાવ્યું કે, જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં આવતી વિકાસ લક્ષી ફંડનો દુરૂપયોગ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ વિસ્તારની ગ્રાન્ટમાં મસ્ત મોટું કૌભાંડ થઈ રહ્યું છે. મીડિયા અહેવાલનો હવાલો આપી જણાવ્યું કે, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર ના અધ્યક્ષ હેઠળ જિલ્લાન ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ તેમજ સમિતીના હોદ્દેદારોએ ટ્રાયબલ વિસ્તારમાં આયોજન મંડળથી ટ્રાયબલ સપ્લાયરની ગ્રાન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. આ આયોજન છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ થયું હતું. પરંતુ સમાચારોના અહેવાલનો હવાલો આપી જણાવ્યું કે, આ આયોજનની ડાયરી પ્રભારી મંત્રીએ તેમના ઘરે મંગાવી લીધી અને ભાજપના કોઈ નેતા ઘરે બોલાવી બંન્નેએ 25 કરોડ રૂપિયાનું આયોજન કરી દીધું.
છોટા ઉદેપુર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા કે, મંત્રી ભિખુસિંહ પરમાર છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી છે, નહીં કે, ચૂંટાયેલા પ્રતિનિધિ. તેઓ અહીંના લોકોના અધિકારના નાણાંનું આયોજન કેવી રીતે કરી શકે ? શું તે નકલી કચેરીઓ પણ આવા પ્રભારી મંત્રીઓની જાણ, આશીર્વાદ અને ભાગ બટાયથી ચાલતી હતી?
કોંગ્રેસના લેટર બોંબથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસનું કહેવું છે કે, પ્રભારી મંત્રીએ 25 કરોડ રૂપિયા જેવી માતબર રકમનું બારોબાર આયોજન, ઘરે બેસીને કરી નાખે છે તે ભારે આશ્ચર્યની બાબત છે. મંત્રી ભિખુસિંહ પરમારે આયોજન બદલી નાખવાને લઇને સમગ્ર પંથકમાં ચર્ચાઓ ચાલી રહી છે આ વચ્ચે પ્રભારી મંત્રીને છોટાઉદેપુર અને નર્મદા જીલ્લાના પ્રભારી પદેથી હટાવીને સરકાર દ્વારા તેની ઉંડી તપાસની માંગ કરવા માંગ કરી છે.
અહીં સવાલ એ થાય છે કે, એકવાર આયોજનના કામો નક્કી થયા ગયા પછી, ઘરે બેસીને કામો બદલી શકાય ખરા ? આવું કેમ કરવું પડે ? જો આવું થયું હોય અને કોંગ્રેસના આક્ષેપો સાચા હોય તો, આવું કરવાની મનસા કેમ? શું આના પાછળ કંઈક રાંધવા માટે આવું થયું હશે, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. 25 કરોડના આયોજન બદલવાને લઇને બીઝેડ પછી ફરીથી રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભિખુસિંહ પરમાર ચર્ચાઓમાં આવી ગયા છે.
રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર છેલ્લા ઘણાં સમયથી ચર્ચાઓમાં હતા, જે બાદ હવે છોટા ઉદેપુર જિલ્લામાં આયોજનના કામો બદલી દેવાના આક્ષેપોને લઇને ગાંધીનગર કમલમ સુધી ચર્ચાનો રેલો પહોંચ્યો છે. હવે ભાજપ હાઈ કમાંડ આ બાબતે શું વિચાર કરે છે, તે જોવું રહ્યું.