29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines જલારામ બાપા પર ટિપ્પણી: રૂપાલાએ કહ્યું- તમારી કોઈ હેસિયત નથી, બોલતા પહેલા...

જલારામ બાપા પર ટિપ્પણી: રૂપાલાએ કહ્યું- તમારી કોઈ હેસિયત નથી, બોલતા પહેલા અરીસામાં જુઓ

0
84

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતાં વિવાદ ઊભો થયો છે. વડતાલના સ્વામી જ્ઞાનપ્રકાશ સુરતના અમરોલી ખાતે એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ વકર્યો છે. વિવાદિત નિવેદનના કારણે રઘુવંશી સમાજના લોકો ઉગ્ર પ્રતિક્રિયા સાથે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, વિવાદ વકરતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગીને વિવાદિત વીડિયો ડિલીટ પણ કરી દીધો છે. જોકે, હજુ સુધી વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદનના વિરોધમાં આજે વીરપુર સજ્જડ બંધ છે. ત્યારે આ મુદ્દે હવે રાજકીય નિવેદન પણ સામે આવ્યાં છે. જલારામ બાપાને લઈને વિવાદિત નિવેદન મુદ્દે સાંસદ પુરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરી છે.

શું બોલ્યા પરસોત્તમ રૂપાલા?
જલારામ બાપાને લઈને જ્ઞાનપ્રકાશ સ્વામીના વિવાદિત નિવેદનને વિશે સાંસદ પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, ‘જલારામ બાપાનું મંદિર, જ્યાં શ્રદ્ધાળુઓનો પૈસો નથી સ્વીકારવામાં આવતો, જે આ સમયમાં અત્યંત દુર્લભ છે. જ્યાં માણસોને ઊભા રાખ્યા છે કે, જો કોઈ શ્રદ્ધા પ્રમાણે ખિસ્સામાંથી રૂપિયો પણ નાંખે તો તે પૈસા ન નાંખવા પગાર આપીને માણસ રખાતા હોય. આવી જગ્યા સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ. આ સ્વામીની કોઈ હેસિયત નથી કે, જલારામ બાપા વિશે તે કોમેન્ટ કરી શકે. હું આ સ્વામીની ઘોર નિંદા કરૂ છું. આ સિવાય હું અપીલ કરૂ છું કે, સ્વામી નારાયણ સંપ્રદાયના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓએ આવા સ્વામી વિરૂદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ.’

શું હતો વિવાદ?
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું કે, ‘જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારૂ એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.’

જ્ઞાનપ્રકાશ સ્વામીએ માંગી માફી
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!