26.4 C
Gujarat
Thursday, September 17, 2026
Home HeadLines રાહુલ ગાંધી : આક્રમક તેવર…ગુજરાત કોંગ્રેસી નેતાઓ ચોંકી ઊઠ્યા,કહ્યું ‘અમારા કેટલાક નેતા...

રાહુલ ગાંધી : આક્રમક તેવર…ગુજરાત કોંગ્રેસી નેતાઓ ચોંકી ઊઠ્યા,કહ્યું ‘અમારા કેટલાક નેતા ભાજપમાં ભળેલા…’,

0

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા. પરંતુ આ વખતે રાહુલ ગાંધી અગાઉની તેમની મુલાકાત કરતા વધુ આક્રમક જોવા મળ્યા. એ પણ સત્તાપક્ષ પર નહીં, પોતાના જ પક્ષ અને ખાસ કરીને સિનિયર નેતાઓ પર… રાહુલ જાણે કે ગુજરાત કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન કે મોટા ફેરફાર લાવવાની નેમ સાથે આવ્યા હોય તેવી પ્રતીતિ થઈ. બે દિવસમાં કાર્યકરો, સંગઠનના લોકો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પ્રભારીઓ અને ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓને મળ્યા. આજે જાહેરમાં કાર્યકરોને સંબોધન કર્યુ. જે ગઈકાલે બંધબારણે મીટિંગમાં થયું હતું તે આજે જાહેરમાં આવી ગયું. રાજકારણમાં જેની હંમેશા ચર્ચા થતી આવી છે કે ગુજરાત કોંગ્રેસના શીર્ષ નેતૃત્ત્વને કારણે જ પાર્ટી રાજ્યમાં ખતમ થઈ રહી છે.

રાહુલ ગાંધીએ જાહેરમાં આક્રમક ભાષણ આપીને આ વાત પર મ્હોર મારી દીધી. આ વાત કહેવાની જાહેરમાં એટલે હિંમત આવી કારણ કે પ્રથમ દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરથી માંડીને મોટા નેતાઓને મળ્યા, તેમની સાથે ચર્ચા કરી તેમના સૂચનો મેળવ્યા. કોઈએ ફરીયાદો કરી, તો કોઈએ સલાહ આપી. ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી કેમ છે અને તેને ફરી પાછી બેઠી કેવી રીતે કરી શકાય તે મુદ્દે રાહુલે મેરેથોન ચર્ચા કરી. જે ચર્ચાનો નિષ્કર્ષ અને તેમાંથી નિકળેલો રોષ રાહુલ ગાંધીના કાર્યકર સંવાદ કાર્યક્રમમાં સ્પષ્ટ જોવા મળ્યો. તેમણે જાહેર સભામાં કહી દીધુ કે ગુજરાત કોંગ્રેસમાં બે ગ્રુપ છે જેમાં અડધા ભાજપ સાથે મળેલા છે.

મહત્ત્વનું છે કે, છેલ્લાં 2 દાયકાથી વધુ સત્તાથી દૂર રહેલી કોંગ્રેસને આજે પણ ગુજરાતમાં નવા ચહેરા નથી મળી રહ્યાં. જેનો બળાપો આડકતરી રીતે કોંગ્રેસના કાર્યકરો અને જુનિયર નેતાઓએ રાહુલ ગાંધી સામે કાઢ્યો હતો. કાર્યકરોએ બળાપો કાઢતા કહ્યું કે પાર્ટીમાં સિનિયર નેતાઓ મનમાની ચલાવતા હોય છે અને કોઈ સાંભળતું નથી. આજે રાહુલ ગાંધીએ વાત સાંભળી ત્યારે થયું કે પહેલીવાર કોઈ અમારી વાત સાંભળવા આવ્યું. કેટલી વખત આરોપ લાગી ચૂક્યા છે કે ભરતસિંહ સોલંકી, અમિત ચાવડાની અલગ લોબી છે, તો સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર, મધુસુદન મિસ્ત્રી સહિતના અગ્રણી નેતાઓના અલગ અલગ વાડા હોવાની ચર્ચા છે.

 

એક સાંધો તો તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળે છે. પરંતુ કોઈ ચૂંટણી માથે હોય ત્યારે હમ એક હૈના દાવા કે દેખાડા કરાય છે. પછી ટિકિટની વહેંચણીમાં વ્હાલાદવાલાની નીતિને કારણે કોંગ્રેસમાં કકળાટ શરૂ થાય છે. જેનો સીધો લાભ ભાજપને મળે છે. તો કેટલાક પાછલા બારણે ભાજપને મદદ કરતા હોવાની પણ અટકળો વહેતી થાય છે. એટલે જ કદાચ રાહુલ ગાંધીએ આજે એવા કેટલાંક નેતાઓને નામ લીધા વગર સ્પષ્ટ કહી દીધુ કે, આવા 20-40 લોકોને કાઢવા પડે તો કાઢી નાંખીશું.

રાહુલે સ્પષ્ટ કહી દીધુ કે, ગુજરાતની પ્રજા વિકલ્પ ઈચ્છે છે નહીં કે બી ટીમ. રાજ્યના કોંગ્રેસના કહેવાતા મોટા નેતાઓને રાહુલ ગાંધીએ આડકતરી રીતે સાંકળથી બંધાયેલા બબ્બર શેર કહ્યા. સાથે જ કહ્યું કે, ‘કોંગ્રેસના આ બબ્બર શેરોમાં હવે વિશ્વાસ નથી રહ્યો.’ રાહુલનો ઈશારો કોની તરફ હતો તે નેતાઓ તો સમજી જ ગયા હશે, પરંતુ સભામાં ઉપસ્થિત કાર્યકરો પણ સમજી ગયા. રાહુલના નિવેદનથી કોગ્રેસના અનેક નેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

રાહુલે ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી કેવી રીતે જીતી શકે તેની ટિપ્સ પણ આપી અને કહ્યું કે, ‘નેતાઓએ નેતાગીરી છોડી પ્રજાની વચ્ચે જવાની જરૂર છે, લોકોના પ્રશ્નો સાંભળવા પડે અને આ બધુ સરળતાથી કરી શકાય છે. આવું કરવાથી ગુજરાતમાં વિપક્ષ માટેનો જે 40 ટકા વોટ શેર છે તેમાં વધારો કરી શકાશે. જો પાંચ ટકા વોટ શેર વધી જાય તો ગુજરાતમાં કોગ્રેસની સરકાર જરૂર બની શકે છે’.

 

રાહુલ આમ તો ઘણી વખત આક્રમક જોવા મળે છે, મોટી મોટી વાતો કરે છે, પરંતુ પછી તે અંગે નક્કર કંઈ થયું હોય તેવું ઘણું ઓછું જોવા મળે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગુજરાત કોંગ્રેસમાં રાહુલને જે ધડમૂળથી પરિવર્તન કરવું છે તે ક્યારે અને કેવી રીતે શક્ય બનશે. શું ખરેખર રાહુલ જે બોલીને ગયા છે તે કરશે ખરાં? કોંગ્રેસની વેર વિખેર ટીમો એકઠી થશે, શું રાહુલ ખરેખર કોઈને કાઢશે ખરાં? આવા સવાલો તો અનેક છે. પરંતુ અગ્રણી નેતાઓને રાહુલ સંકેત આપીને ગયા છે કે ઓફિસમાં બેસીને કરાતી નેતાગીરી છોડો, કાર્યકરો સાથે ખભેથી ખભો મિલાવી લોકો વચ્ચે જાઓ, નહીંતો તે ભવિષ્યમાં રોફ મારી બેસવા માટે કોંગ્રેસની ઓફિસ પણ નહીં મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!