ચડાસણાની મહિલા સાથે પ્રેમ સંબંધનો ભાંડો ફૂટતાં કોલ્ડ સ્ટોરેજમાંથી રાત્રે ઉપાડી લાવ્યા હતા
પોલીસે 9 શખ્સોને ઝડપી લીધા, યુવકને ગાડીમાં બેસાડી માફી નામું લખાવી વીડિયો વાયરલ કર્યો
ઇડરના ચડાસણામાં બે દિવસ અગાઉ પરિણીતા સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવકને ઇડરની હદમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાંથી ઉઠાવી લાવી માર મારી નગ્ન કરી ગામમાં ફેરવ્યા બાદ નગ્ન અવસ્થામાં જ કારમાં બેસાડી માફીનામું લખાવવાની ઘટના વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને સાબરકાંઠા એસપીએ ત્વરિત એક્શન લઈ ત્રણ ટીમો બનાવી 9 શખ્સોને ઝડપી લીધા હતા.યુવકને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં દાખલ કરાયો છે.
ઇડરની હદમાં આવેલ કોલ્ડસ્ટોરેજમાં કામ કરતાં યુવકને ચડાસણાની પરિણીતા સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં તેના પતિએ અન્ય શખ્સો સાથે મળી બે દિવસ અગાઉ રાત્રે શખ્સનું કોલ્ડ સ્ટોરેજમાંથી અપહરણ કરી ચડાસણા ગામમાં લઇ ગયા હતા અને ગામમાં લઇ ગયા બાદ ઢોર માર મારી શખ્સના કપડા ઉતારી લઇ નગ્ન કરી બેફામ અપશબ્દો બોલી ગામમાં ફેરવ્યો હતો અને ત્યારબાદ નગ્ન અવસ્થામાં જ કારમાં બેસાડી માફી પત્ર લખાવ્યું હતું. પરિણીત સ્ત્રી સાથેના આડાસંબંધોની જાતે જ સજા આપ્યાનો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો.
બે દિવસ અગાઉની ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ઘટનાનું જ્યુરિડિકશન નક્કી કર્યા બાદ આખરે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. એટ્રોસીટી અને માર મારવા સહિતનો ગુનો નોંધાયો હતો. સાબરકાંઠા એસ.પી. વિજય પટેલે જણાવ્યું કે શખ્સને ચડાસણાની પરણીત મહિલા સાથે પ્રેમસંબંધ હોવાની પતિને જાણ થઇ જતાં શખ્સને પતિએ અન્ય શખ્સો સાથે મળી રાત્રી દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાંથી ઉઠાવ્યો હતો અને ચડાસણા ગામે લઈ જઈ માર મારી નગ્ન કરી ગામમાં ફેરવ્યો હોવાની અને સિવિલમાં યુવકની સારવાર ચાલી રહી હોવાની જાણ થતાં ભોગ બનનારના નિવેદનને આધારે અપહરણ, એટ્રોસીટી અને માર મારવા સહિતનો ગુનો નોંધી ત્રણ ટીમો બનાવી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી 9 શખ્સોને ઝડપી લીધા છે.
મહિલા સાથે ફોટો પડાવવા બાબતે મનદુ:ખ રાખી માર્યો
ભોગ બનનારે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તા.11-03-25 રાત્રે 1 વાગે આદિત્ય અનમોલ કોલ્ડ સ્ટોરેજ (નેત્રામલી)માં હતા અને ગામની મહિલા સાથે ઇકોમાં મજૂરી કામ કરવા જતા હતા. ત્યારે મહિલા સાથે ફોટા પડાવવા બાબતે મનદુઃખ રાખી ફેક્ટરી પર આવી ગડદાપાટુનો માર મારી બે જણાંએ ઊંચકીને બાઇક પર બેસાડી નાની વાડોલમાં હનુમાન મંદિર ખાતે લાવી અપશબ્દો બોલી મૂઢ માર-મારી મોબાઇલની લૂંટ કરી, કપડા કાઢી નાખી નિર્વસ્ત્ર કરી તમામ આરોપીઓએ ફરીને જાહેરમાં ફેરવી કાગળમાં લખાણ લઇ સહી કરાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ 9 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇસંજયભાઇ ઇશ્વરભાઇ ઠાકોર, કિશન સેંધાજી ઠાકોર, મનોજભાઇ ઉર્ફે મનાજી સોમાજી નરેશભાઇ ઇશ્વરભાઇ ઠાકોર, નુનો ઉર્ફે હરેશભાઇ ઠાકોર , મંગાજી સોમાજી ઠાકોર . અતુલજી વિનાજી ,અરુણ બાલક્રુષ્ણભાઇ બારોટ, ઉમેશ જીતેન્દ્રભાઇ બારોટ , જ્યોત્સનાબેન સંજયભાઇ ઠાકોર અને વિશાલ પ્રહલાદભાઇ સુથાર( રહે.ચડાસણા તા.ઇડર) ચેતનભાઇ ઇશ્વરભાઇ નાયી (રહે.જાદર તા.ઇડર) બીજા ત્રણ થી ચાર અજાણ્યા માણસો