હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. આ માસ શિવભક્તિ અને શિવ તત્ત્વમાં લીન થવાનો માસ ગણાય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તિ, ભાવના અને દિવ્યતાનો અદભૂત સંગમ મોડાસાના મેઢાસણ ગામે જોવા મળ્યો. મોડાસા તાલુકાના મેઢાસણ ગામે આવેલ અતિ પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરે એવી ભવ્યતા સર્જાઈ કે જાણે હરિદ્વારનો પાવન ઘાટ જ અહીં ઉતરી આવ્યો હોય.શ્રાવણ વદ નોમના સંધ્યાકાળે ગામના ગાગળ તળાવ કિનારે બનારસના વિદ્વાન ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા આરતીનું અલૌકિક દૃશ્ય સર્જાયું હતું. હજારો દીવડાની ઝળહળાટ, નાદ કરતા ઘંટો અને “હર હર મહાદેવ”ના ગગનભેદી જયઘોષ વચ્ચે તળાવ કિનારો દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યો હતો.1008 દીવડાની મહા આરતીમાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ એવો અનુભવ કર્યો કે જાણે વારાણસીના ઘાટ પર બેઠા હોય. દરેક દીવડો જાણે ભક્તિનો જ્યોત બની આકાશમાં દેવાધિદેવ શિવને પ્રણામ કરી રહ્યો હોય.આ અનોખા આધ્યાત્મિક સમારોહમાં ચૈતન્યપુરી મહારાજ,પ્રવીણસિંહ બાપુ, સરડોઈના ભરતનાથજી મહારાજ, પાલનપુર આશ્રમના કથાકાર પરમેશ્વર દીદી, ટીંટીસર મહાદેવના નિષ્કલંક મહારાજ સહિતના સંતો-મહંતોની ઉપસ્થિતિએ માહોલને વધુ પાવન બનાવી દીધો હતો.
મોડાસાના મેઢાસણ ગામના તળાવ પર બનારસના પંડિતો દ્વારા કરેલ વૈદિક આરતી બાદ રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સંતો, મહંતો, પોલીસ અધિકારીઓ, સમસ્ત ગ્રામજનો,રામેશ્વર મહાદેવ ગ્રુપ તથા શિવભક્તોએ 1008 દીવડાની સમૂહ આરતીનો દિવ્ય લાભ લીધો. ભક્તો કહેતા હતા કે – મેઢાસણ રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમૂહ આરતીના લાભથી ધન્યતા અનુભવી રહ્યા હતા અને મેઢાસણ ગામના તળાવ પર બનારસી પંડિતો દ્વારા કરાયેલી આરતીમાં અનુભવ એવો થયો કે જાણે વારાણસીના ગંગા ઘાટ પર ગંગાજી સામે આરતી કરી રહ્યા હોઈએ.આ તો જીવનનો સૌથી મોટો ધાર્મિક અનુભવ રહેતા .”આ ક્ષણો જીવનભર અવિસ્મરણીય બની જશે.” ભક્તિ, શ્રદ્ધા અને શિવનાદથી ગુંજતું મેઢાસણના રામેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસની સૌથી ભવ્ય ઉજવણીનું કેન્દ્ર બની ગયું હતું.
આ પાવન પ્રસંગે મેઢાસણ ગામના ગાગળ તળાવ પર માત્ર દીવો જ નહીં પ્રગટ્યો, પરંતુ શિવભક્તિના જ્યોત પણ હૃદયમાં પ્રગટ્યા. સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓ આ દૃશ્ય જોતા જ શિવમય બની ગયા.
હર હર મહાદેવના ગુંજતા નાદ, ઝગમગતા દીવા, મંત્રોચ્ચાર અને શ્રદ્ધાળુઓની ભક્તિભાવના — આ બધું એકસાથે મળી એવું વાતાવરણ સર્જાયું કે મેઢાસણ ગામના રામેશ્વર મહાદેવ યુવા ગ્રુપે પૂરી શ્રધ્ધા અને આસ્થા સાથે શ્રાવણ માસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરી હતી.






