33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં શામળાજી અને સાઠંબા એમ 2 નવા તાલુકા બન્યા, વાંચો સંપૂર્ણ...

અરવલ્લી જિલ્લામાં શામળાજી અને સાઠંબા એમ 2 નવા તાલુકા બન્યા, વાંચો સંપૂર્ણ વિગત

0
81

અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્યમાં છેલ્લે 2013માં નવા જિલ્લાની રચના કરવામાં આવી હતી, વર્ષ 2013માં નવા 23 તાલુકાઓની રચના પછી પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં 17 નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય કર્યો છે. વર્ષ 2013 માં નવીન જિલ્લાની રચના થયેલ જેમાં અરવલ્લી જિલ્લાનો પણ સમાવેશ થયો હતો. હવે 12 વર્ષ પછી અરવલ્લી જિલ્લામાં નવીન 2 તાલુકાની રચના કરવામાં આવી છે, જેમાં બાયડમાંથી વિભાજન કરીને સાઠંબા જ્યારે ભિલોડા તાલુકામાંથી વિભાજન કરીને શામળાજી તાલુકાની રચના કરવામાં આવી છે. બંન્ને તાલુકાની માંગ વર્ષોથી ઉઠવા પામી હતી, જોકે હવે જશ લેવાનો દોર નેતાઓમાં જોવા મળ્યો છે.

અરવલ્લી જિલ્લામાં હાલ 672 ગામડા છે, જેમાં 336 ગ્રામ પંચાયત છે. ભિલોડા તાલુકામાં કુલ 148 જ્યારે બાયડ તાલુકામાં કુલ 121 ગામડાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે નવીન તાલુકા જાહેર કર્યા છે, જેમાં ભિલોડા માંથી શામળાજી જ્યારે બાયડમાંથી સાઠંબા તાલુકો જાહેર કર્યો છે. ખાસ કરીને સાઠંબા તેમજ મહિસાગર જિલ્લાની બોર્ડર પરના ગ્રામ્ય વિસ્તારના લોકોને બાયડ સુધી આવવું પડતું હતું, જેથી સમય અને નાણાનો વ્યય થતો હતો. આ સાથે જ વાંકાટિંબા સહિત આસપાસના વિસ્તારોના લોકોને ભિલોડા સુધી જવું પડતું હતું. તેમાં પણ સમયસર વાહનનો અભાવ હોવાથી ખાનગી વાહન કરીને ભિલોડા મામલતદાર અથવા તો તાલુકા પંચાયત કચેરી જવું પડતું હતું. હવે સાઠંબા અને શામળાજી તાલુકો થતાં આસપાસના વિસ્તારોના સીધો લાભ થશે.. હવે સરેરાશ 20 થી 22 કિ.મી. ના અંતરમાં નજીકના નવા તાલુકા મથકે સરળતાથી પહોંચી શકાશે.

શું ફાયદો થશે
નવીન તાલુકા ની કચેરીઓ મળશે
નવીન તાલુકાના વિકાસ માટે ગ્રાન્ટ
ન્યાય મંદિર
તાલુકા પંચાયત
મામલતદાર કચેરી સહિતની કચેરીઓ નિર્માણ પામશે
ભિલોડા અને બાયડ સુધીના ધક્કા ખાવામાંથી મુક્તિ

શામળાજી તાલુકાની ઘણાં વર્ષોથી માંગ હતી, ગયા વર્ષે યાત્રાધામ શામળાજી ખાતે યોજાયેલા શામળાજી મહોત્સવમાં ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાએ જાહેર મંચ પરથી શામળાજી તાલુકાની માંગ કરી હતી. હવે રાજ્ય સરકારે નવીન 17 તાલુકાની રચના કરી છે, જેમાં અરવલ્લી જિલ્લાને નવા 2 તાલુકા મળ્યા છે, જેથી હવે અરવલ્લી જિલ્લામાં કુલ 8 તાલુકા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!