અરવલ્લી જિલ્લાની મામલતદાર કચેરીઓમાં નોંધ નામંજૂર નો ખેલ સતત જોવા મળી રહ્યો છે. નોંધ નામંજૂર પાછળના કારણો પણ મૂળ ભ્રષ્ટાચાર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક ભ્રષ્ટ બાબુઓની થોડીક ભૂલને કારણે અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ પ્રાંત કચેરીઓમાં કેસનો ભરાવો થઈ રહ્યો છે. વાત એવી પણ જાણવા મળી છે કે, ખોટી રીતે અને કોઈપણ ચોક્કસ કારણોવિના નોંધ નામંજૂર થવાની બૂમો ઉઠવા પામી છે. હવે સ્થિતિ એ સુધી વણસી છે કે, જિલ્લા કલેક્ટરે પણ આ બાબતે ગંભીરતા દાખવી છે.
મોડાસા મામલતદાર કચેરીના સર્કલ વિભાગમાં થોડા વર્ષ અગાઉ એ.સી.બી. પહોંચી હતી, જેમાં એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો, આ પહેલા ઘણાં વર્ષો પહેલા ટાઉન પ્લાનલ, મેઘરજ મામલતદાર સહિતના કેટલાય ભ્રષ્ટ અધિકારીઓ એ.સી.બી. ના હાથે લાગી ગયા છે, જેના પરથી કહી શકાય કે, ભ્રષ્ટાચાર તો છે જ. હવે રેવન્યુ વિભાગમાં જબરજસ્ત મોડસ ઓપરેન્ડી થકી અરજદારોને ઈમોશનલ બ્લેકમેઈલ કરવાના અને નજીકના લોકોનો સંપર્ક કરીને, અરજીમાં આ વાંધો છે, તે વાંધો છે, તેમ કહીને નોંધ નામંજૂરની બીક બતાવવાની. હવે નોંધ નામંજૂરની બીક બતાવતા, અરજદાર ગભરાઈ જાય અને વહીવટ એટલા માટે કરી દેતા હોય કે, જો નોંધ નામંજૂર થાય તો, અરજદારે, પ્રાંત કચેરીમાં અપીલ કરવી પડે, જેથી આર્થિક બોજો વધી જાય. આવી પરિસ્થિતિ સર્જાતા, મોડાસા અને બાયડ પ્રાંત કચેરીઓમાં નોંધ નામંજૂર થયેલી અરજીઓનું ભારણ સતત વધી ગયું છે.
અરવલ્લી જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં અરજદારોને ગોળગોળ ફેરવતા નાયબ મામલતદારો સામે કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી ? જો ખોટી રીતે નોંધ નામંજૂર થાય અને અપીલમાં નોંધ મંજૂર થાય તો શું સમજવાનું ? જો અપીલમાં નોંધ મંજૂર થાય તો મતલબ કે, નોંધ નામંજૂર કરનાર અધિકારી ખોટો છે. હવે આવા કિસ્સામાં ઠોસ કાર્યવાહી થાય, તો આ ખેલ બંધ થાય. બાકી નોંધ નામંજૂર કરવાની અને ખિસ્સા ભરવાના તે ચાલ્યા જ કરશે.
