- સરકારી નિયત સમય 10:30 વાગ્યા છતાં અનેક કચેરીઓમાં અધિકારીઓ મોડા પહોંચતા હોવાની ફરિયાદ
- કેટલાક અધિકારીઓ 11:30થી 12 વાગ્યા સુધી આવતા હોવાની ચર્ચા
- “ફિલ્ડ વિઝિટ”નું કારણ બતાવી બપોર બાદ કચેરી પહોંચતા હોવાના પણ ચર્ચા
- લોકોમાં સવાલ: કામ આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ જ સંભાળે છે?
અરવલ્લી: અરવલ્લી જિલ્લાની કેટલીક સરકારી કચેરીઓમાં સમયપાલન અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. સરકારી કચેરીઓનો નિયત સમય સવારે 10:30 વાગ્યાનો હોવા છતાં કેટલીક કચેરીઓમાં અધિકારીઓ સમયસર હાજર રહેતા નથી તેવી ફરિયાદો લોકો તરફથી ઉઠી રહી છે.
સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક અધિકારીઓ નિયમિત રીતે 11:30 વાગ્યા અથવા બપોરે 12 વાગ્યા સુધી કચેરીમાં પહોંચે છે. જ્યારે કેટલાક અધિકારીઓ “ફિલ્ડમાં કામગીરી” હોવાનું કારણ દર્શાવી બપોરે લંચ બાદ કચેરીમાં આવતા હોવાની પણ અંદરો-અંદર ચર્ચાઓ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલિસ વડા, અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ સમયસર પહોંચી જતાં હોય તો, કેટલાક વિભાગોના અધિકારીઓને કેમ આળસ આવે છે, તે સવાલ છે.
લોકોમાં એવી પણ ચર્ચા છે કે ઘણી કચેરીઓમાં રોજિંદું કામકાજ મોટાભાગે આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓ ના ભરોસે ચાલે છે, જ્યારે જવાબદાર અધિકારીઓની હાજરી અને સમયપાલન અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ સમગ્ર મુદ્દામાં લોકો એક ઉદાહરણ પણ આપી રહ્યા છે. મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી ભિખુસિંહ પરમાર મોટાભાગના જાહેર કાર્યક્રમોમાં નિયત સમય કરતાં 5થી 10 મિનિટ વહેલા પહોંચતા હોવાનું જોવા મળે છે. ત્યારે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે જનપ્રતિનિધિ સમયપાલન કરી શકે છે, ત્યારે સરકારી અધિકારીઓ માટે સમયસર કચેરી પહોંચવું કેમ મુશ્કેલ બની રહ્યું છે?
જાહેર સેવાઓ સમયસર અને અસરકારક રીતે મળે તે માટે સરકારી કચેરીઓમાં સમયપાલન અને જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ લોકોમાં ઉઠી રહી છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર એ કોઈપણ વિભાગની ઓચિંતી મુલાકાત કરીને સરકારી સમય મુજબ અધિકારીઓ કચેરીમાં પહોંચ્યા છે કે, નહીં, તે તપાસવું જોઈએ.





