28 C
Gujarat
Monday, July 27, 2026
Home HeadLines ગુજરાતમાં સાયબર ફ્રોડ સામે નવી વ્યવસ્થા: હવે 1930 પર ફરિયાદ કરતા જ...

ગુજરાતમાં સાયબર ફ્રોડ સામે નવી વ્યવસ્થા: હવે 1930 પર ફરિયાદ કરતા જ નોંધાશે e-Zero FIR

0
3

સાયબર આર્થિક છેતરપિંડીના કેસોમાં પીડિતોને ઝડપી મદદ અને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી મળી રહે તે માટે ગુજરાત સરકારે નવી ડિજિટલ સુવિધા શરૂ કરી છે. હવે સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેશે નહીં. 1930 હેલ્પલાઇન મારફતે ફરિયાદ નોંધાતાં જ સિસ્ટમ આપમેળે e-Zero FIR તૈયાર કરશે.

ફરિયાદ બાદ તરત જ શરૂ થશે કાર્યવાહી
નવી વ્યવસ્થા હેઠળ 1930 પર મળેલી ફરિયાદના આધારે ઓટોમેટિક Zero FIR જનરેટ થશે અને તે સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ પોલીસ અધિકારીઓ ફરિયાદીનો સંપર્ક કરીને જરૂરી વિગતો મેળવી કાયદેસરની કાર્યવાહી અને તપાસ ઝડપથી શરૂ કરશે.

પ્રથમ કેસમાં બચાવાયા રૂ. 15.76 લાખ
આ વ્યવસ્થાનો પ્રથમ સફળ કિસ્સો અમદાવાદમાં નોંધાયો હતો. ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે છેતરાયેલા એક નાગરિકે આ નવી પદ્ધતિથી પ્રથમ e-Zero FIR નોંધાવી હતી. સાયબર ક્રાઇમ ટીમે ત્વરિત કાર્યવાહી કરતાં ફરિયાદીની રૂ. 15.76 લાખથી વધુની રકમ સુરક્ષિત રાખવામાં સફળતા મેળવી.

ટેકનોલોજીથી વધુ અસરકારક પોલીસ સેવા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને અસરકારક પોલીસ સેવા આપવા પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ વ્યવસ્થાથી સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો માટે ન્યાયની પ્રક્રિયા સરળ બનશે અને ગુમાવેલી રકમ પરત મેળવવાની સંભાવના પણ વધશે. રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે તમામ પોલીસ એકમોને સંવેદનશીલતાથી કામગીરી કરી ફરિયાદીઓના કેસમાં ત્વરિત પગલાં લેવા સૂચના આપી છે.

I4C સાથે સંકલનથી અમલ
સાયબર સેન્ટર ઓફ એક્સિલેન્સના આઈજીપી બિપિન આહીરેએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) સાથે સંકલન કરીને આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. 1930 હેલ્પલાઇન પર મળતી ફરિયાદોને આધારે e-Zero FIR તૈયાર થશે અને ત્યારબાદ નિયમ મુજબ તપાસ આગળ વધારવામાં આવશે.

આ સુવિધાના લોન્ચિંગ પ્રસંગે ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, I4Cના સીઈઓ રાજેશ કુમાર, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ અધિકારીઓ તેમજ રાજ્યભરના પોલીસ અધિકારીઓ વર્ચ્યુઅલ અને પ્રત્યક્ષ રીતે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!