31.2 C
Gujarat
Monday, September 7, 2026
Home HeadLines અરવલ્લી : આઈટીઆઈ સામે આવેલ શ્યામનગર સોસાયટી નો જાહેર રસ્તો બંધ,કલેક્ટરના આદેશને...

અરવલ્લી : આઈટીઆઈ સામે આવેલ શ્યામનગર સોસાયટી નો જાહેર રસ્તો બંધ,કલેક્ટરના આદેશને ઘોળીને પી ગયા..!!

0

મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી આઈટીઆઈ સામે આવેલ શ્યામનગર સોસાયટીમાંથી પસાર થતો રસ્તો બંધ કરી દેવામાં આવતા માલપુર રોડથી મેઘરજ રોડ સુધી જવા માટે લોકોને બે કિલોમીટરનું ચક્કર કાપવું પડે છે આ અંગે નગરસેવક જીલ્લા કલેક્ટરને રજૂઆત કરતા રસ્તાના યોગ્ય નિરાકરણ માટે ચીફ ઓફિસરને તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવા છતાં નગરપાલિકા તંત્ર શ્યામનગર સોસાયટીના રહીશો સામે નતમસ્તક બનતા નગર સેવકે વધુ એક વાર કલેક્ટરના દ્વાર ખખડાવ્યા છે

મોડાસા શહેરના માલપુર રોડ અને મેઘરજ રોડને જોડતા શ્યામનગર સોસાયટીમાંથી પસાર થતા મહત્વના જાહેર રસ્તાને ખુલ્લો કરાવવા માટે નગરસેવક સોયબ જેથરા દ્વારા અરવલ્લી જીલ્લા કલેક્ટરને ત્રીજી વાર રજૂઆત કરવાની ફરજ પડી છે નગર સેવકના જણાવ્યા અનુસાર અગાઉ જીલ્લા કલેક્ટરને રજૂઆત કરતા મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસરને તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હોવા છતાં આજદિન સુધી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી કે કાર્યવાહી અંગે લેખિત જવાબ આપવામાં આવ્યો નથી, એવો આક્ષેપ કર્યો હતો

માલપુર રોડ ઉપર આઈ.ટી.આઈ. સામેથી પસાર થતો RCC રોડ શ્યામનગર સોસાયટી, હરિઓમ સોસાયટી, સરસ્વતી સ્કૂલ, કચ્છી સ્કૂલ, મહિલા હોસ્ટેલ સહિતના વિસ્તારોને જોડતો થઈ મેઘરજ રોડ સાથે જોડાય છે. આ માર્ગનો વર્ષોથી વિદ્યાર્થીઓ, શાળાના કર્મચારીઓ, બેંક કર્મચારીઓ, દર્દીઓ, હોસ્પિટલમાં આવતા લોકો તથા આસપાસની સોસાયટીઓના રહીશો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ચૂંટણી સમયે પણ આ માર્ગનો મતદારો દ્વારા ઉપયોગ થતો રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. હવે કલેક્ટર દ્વારા અગાઉ આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને નગરપાલિકા દ્વારા તાત્કાલિક તપાસ કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવે અને અત્યાર સુધીની કાર્યવાહી અંગે લેખિત અહેવાલ આપવામાં આવે તેવી નગરસેવક સોયબ જેથરાએ માંગ કરી છે.

અગાઉ બે વખત નગરપાલિકાએ રસ્તો ખોલ્યો હતો
રજૂઆતમાં જણાવ્યા મુજબ, નાગરિકોની રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા આ રસ્તો અગાઉ બે વખત ખુલ્લો કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ફરીથી રસ્તા પર અવરોધ ઊભો કરી બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા આશરે એક વર્ષથી આ બાબતે સોસાયટીઓ અને સંસ્થાઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં રસ્તો કાયમી ધોરણે ખુલ્લો થયો નથી.

બે મુખ્ય માર્ગોને જોડતો એકમાત્ર મહત્વનો રસ્તો
નગરસેવક સોયબ જેથરાએ રજૂઆતમાં જણાવ્યું છે કે ચાર રસ્તાથી માલપુર રોડ તથા ચાર રસ્તાથી મેઘરજ રોડ તરફ જતા બંને મુખ્ય માર્ગોને જોડતો આ મહત્વનો વૈકલ્પિક રસ્તો છે. હાલ બંને માર્ગો વચ્ચે સીધો જોડાણ માર્ગ ન હોવાથી લોકોને આશરે એક કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપવું પડે છે.

ખાસ કરીને કટોકટી કે ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ સહિતની જરૂરી સેવાઓ માટે આ માર્ગ મહત્વનો બની શકે છે. તેથી જાહેર જનતાની સુવિધા, સલામતી અને ઈમરજન્સી સેવાઓની સરળ અવરજવર માટે રસ્તો ખુલ્લો કરવો જરૂરી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

કલેક્ટરના પત્ર બાદ પણ જવાબ નહીં
સોયબ જેથરાની અગાઉની રજૂઆતને ધ્યાનમાં લઈ કલેક્ટરે તા. 31/07/2026ના પત્રથી ચીફ ઓફિસર, મોડાસા નગરપાલિકાને તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ નગરસેવકે તા. 12/08/2026ના રોજ ચીફ ઓફિસરને પણ લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં શું તપાસ થઈ, શું નિર્ણય લેવાયો અને શું કાર્યવાહી કરવામાં આવી તેની કોઈ લેખિત જાણ કરવામાં આવી નથી, તેમ રજૂઆતમાં જણાવાયું છે.

40 વર્ષ જૂનો બીજો રસ્તો પણ બંધ હોવાનો આક્ષેપ
આ જ વિસ્તારમાં બીજો એક રસ્તો પણ છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી શાળા તથા આસપાસની સોસાયટીઓના લોકો ઉપયોગમાં લેતા હોવા છતાં બંધ કરવામાં આવ્યો હોવાની રજૂઆત નગરપાલિકા સમક્ષ કરવામાં આવી છે. આ રસ્તા અંગે પણ અગાઉ અરજીઓ થઈ હોવા છતાં તેનો નિકાલ ન થયો હોવાનો આક્ષેપ છે.

કોમન પ્લોટમાં બાંધકામ અંગે તપાસની માંગ
શ્યામનગર સોસાયટીના કોમન પ્લોટમાં કેટલાક બાંધકામો
અને દબાણો થયેલા હોવાની માહિતી મળ્યાનો ઉલ્લેખ કરી નગરસેવકે તેની પણ તપાસની માંગ કરી છે. નગરપાલિકાના મંજૂર નકશા, ટી.પી. રેકોર્ડ, સોસાયટીના પ્લાન, કોમન પ્લોટના રેકોર્ડ અને સ્થળ તપાસના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કોમન પ્લોટ અથવા જાહેર ઉપયોગની જગ્યામાં બિનમંજૂર બાંધકામ થયેલું હોય તો નિયમસર કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.

મારો કોઈ વ્યક્તિગત હિત નથી, માત્ર જનહિતનો પ્રશ્ન”
નગરસેવક સોયબ જેથરાએ જણાવ્યું હતું કે જીલ્લા કલેક્ટરને કરેલી ત્રીજી રજૂઆતમાં સ્પષ્ટ કર્યું છે કે આ બાબતમાં તેમનો કોઈ વ્યક્તિગત હિત કે સ્વાર્થ નથી. શાળા, આઈ.ટી.આઈ., બેંક કર્મચારીઓ, હોસ્પિટલના દર્દીઓ, મહિલા હોસ્ટેલ, વિદ્યાર્થીઓ તથા આસપાસના નાગરિકોની સુવિધા અને સલામતી માટે જાહેર હિતમાં રસ્તો ખુલ્લો કરાવવાની માંગ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!