મંત્રી પી.સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શામળાજી મંદિરે ભવ્ય દીવા પ્રજ્વલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વિવિધ જનભાગીદારીલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અભિયાનના ભાગરૂપે આજે પવિત્ર શામળાજી મંદિર ખાતે જિલ્લાકક્ષાના ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શામળાજી મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં સુંદર રંગોળીઓ સાથે અંદાજે ૫ હજાર જેટલા ‘આશીર્વાદના દીવડાઓ’ પ્રજ્વલિત થતાં સમગ્ર શામળાજી ધામ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠ્યું હતું. આ પ્રસંગે ભજન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
અરવલ્લી જિલ્લામાં શામળાજી ઉપરાંત મોડાસાના ઓધારી તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી. તેમજ બાયડના ગાયત્રી મંદિર ખાતે પણ ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમ યોજાયો હતો. બંને સ્થળોએ મોટી સંખ્યામાં દીવડાઓ પ્રજ્વલિત કરી નાગરિકોએ આ અભિયાનમાં સહભાગીતા નોંધાવી હતી. દીવડાઓની રોશનીથી ઓધારી તળાવ અને ગાયત્રી મંદિર પરિસર આહલાદક દૃશ્યથી ઝળહળી ઊઠ્યું હતું. તમામ સ્થળો પર સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના વિવિધ ગામોમાં પણ નાગરિકોએ મોટી સંખ્યામાં દીવા પ્રજ્વલિત કરી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ઉત્સાહપૂર્વક જનભાગીદારી નોંધાવી હતી.





