બેવડા વાતાવરણમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી લોકો ઝડપથી બીમાર પડે છે
(પ્રતિકાત્મક તસ્વીર)
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મોસમનો મિજાજ અચાનક પલટાયો છે.બેવડી ઋતુ એટલે કે, ડબલ સિઝનની પ્રબળ અસર અનુભવાઈ રહી છે.દિવસ દરમિયાન સૂર્યના તેજ સાથે ગરમીનું પ્રમાણ વધીને તાપમાન ઉંચું નોંધાઈ રહ્યું છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે લઘુત્તમ તાપમાન ઘટી જતા હળવી ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેવાથી નાગરિકો વિચિત્ર પ્રકારની આબોહવા અનુભવી રહ્યા છે.બદલાતા હવામાનની સીધી અને વિપરીત અસર નાગરિકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.
અરવલ્લી જીલ્લાની સરકારી હોસ્પિટલ તેમજ વિવિધ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને ગળામાં તીવ્ર દુખાવો, શરદી, ઉધરસ અને તાવની ફરિયાદો સાથે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે દવાખાનામાં પહોંચી રહ્યા છે.બદલાતા તાપમાન સામે શરીર અનુકૂલન સાધી ન શકવાને કારણે નાના બાળકો અને વડીલો આ વાઈરલ સંક્રમણનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે.
એક બાજુ ચોમાસાની વિદાય બાદ અને ઋતુ બદલાવાના આ સમયગાળામાં મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે.ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે કે, મચ્છરોના ઉપદ્રવથી રોગો ફેલાઈ રહ્યા છે.એક તરફ મોસમી ફ્લૂ અને બીજી તરફ મચ્છરજન્ય બીમારીઓના કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં બેવડો વધારો થયો છે.
આરોગ્ય નિષ્ણાંતોના મતે, આ ડબલ સિઝનના વાતાવરણમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાથી લોકો ઝડપથી બીમાર પડે છે. આ સ્થિતિથી બચવા માટે નાગરિકોએ ઉકાળેલું પાણી પીવું, બહારનું કે ખુલ્લું ખાવાનું ટાળવું અને ઘરમાં તેમજ આસપાસ મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે.આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અને લક્ષણો દેખાય તો તુરંત જ તબીબી સલાહ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.





